મલયાલમ સમાચાર ચેનલના સંપાદક સાજન સ્કારિયા સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે, તેમણે SC સમુદાયમાંથી આવનારા સીપીએમ ધારાસભ્ય શ્રીનિજનને ‘માફિયા ડોન’ કહ્યો હતો. ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઇકોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. ચુકાદા મુજબ SC-ST સમુદાયથી આવનારા કોઈપણ વ્યક્તિને તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાનિત કરવાની ઘટનાને SC-ST એક્ટ 1989ની કડક જોગવાઈ હેઠળ અપરાધ માનવામાં આવશે નહીં. જસ્ટિસ જે બી પારદીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે એક ઓનલાઈન મલયાલમ સમાચાર ચેનલના સંપાદક સાજન સ્કારિયાને આગોતરા જામીન આપતા આ ચુકાદો આપ્યો હતો.
‘માફિયા ડોન’ સંદર્ભનો ઉલ્લેખ કરતા પીઠે કહ્યું કે, આપવામાં આવેલ અપમાનજનક નિવેદનોની પ્રકૃતિને ધ્યાનમાં રાખી સ્કારિયા વિશે કહી શકાય કે, તેમણે IPCની કલમ 500 હેઠળ દંડપાત્ર માનહાનિનો અપરાધ કર્યો છે. જો એવું છે તો ફરિયાદી અપીલ કરનાર વિરુદ્ધ તે પ્રમાણે કેસ ચલાવી શકે છે.