Search
Close this search box.

વડોદરામાં ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર, સરકારના બે મંત્રીએ પરિસ્થિતિની જાણકારી મેળવી , વીજ પુરવઠો બંધ – લોકો અંધારપટમાં

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવશે. સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્માનો સમાવેશ થાય છે. આ બંને મંત્રીઓએ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજી હતી.

 

વડોદરાને બચાવવા આજવામાં પાણી છોડવાનું બંધ 

વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેરને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે આજવામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો. તેનું કારણ એ છે કે, આજવાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે. જો કે આ નિર્ણયની અસર પણ જોવા મળી નથી. 12 કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓછું થયું નથી . ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે શહેરમાં વિશ્વામિત્રીના પાણીનો કહેર યથાવત્ છે.

બીજી તરફ, પહેલેથી જ પાણીમાં ગરકાવ વિસ્તારો તો બેહાલ છે જ પણ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશ્યા. આ વિસ્તારોના આજે સવારથી  સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી પ્રવેશવા માંડયા હતા.

હજુ પણ 7 લાખથી વધુ લોકો અંધારપટમાં 

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે. કારણકે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે. એક અંદાજ અનુસાર અત્યારે વડોદરાના સાત લાખથી વધુ લોકો અંધારપટમાં જીવી રહ્યા છે.

વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વિશ્વામિત્રીના પાણી જેટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબ સ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી આ બંને સબ સ્ટેશનો બંધ કરવા પડ્યા છે. જેના પગલે આ સબ સ્ટેશનોમાંથી 45 વીજ ફીડરો પરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણસર વડોદરાના જૂના પાદરા રોડ, અકોટા, જેતલપુર રોડ, ગોત્રી, અલકાપુરી, અટલાદરા, વાસણા, ગોત્રી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.

વિશ્વામિત્રીના પૂરના કારણે ગઈકાલથી કારેલીબાગ, હરણી, સમા-સાવલી રોડ, ફતેગંજ જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. આજે પણ આ વિસ્તારોમાં તો પાવર સપ્લાય શરુ થવાનો કોઈ સવાલ નથી પરંતુ નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાથી શહેરના કુલ 68 ફીડરો બંધ કરવા પડ્યા છે અને 370 ટ્રાન્સફોર્મરો પાણીમાં છે. આમ વડોદરામાં સાત લાખ કરતા પણ વધારે લોકો અંધારપટ હેઠળ છે અને જ્યાં સુધી પૂરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર