Surendranagar: ત્રણ સરપંચે ફરજમાં બેદરકારી દાખવતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા
મૂળી, થાન અને પાટડી તાલુકાના 3 ગામના સરપંચોને ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર ન કરવા અને ગામની સીમમાં ખનીજ ચોરી થતી હોવાની તંત્રને જાણ ન કરતા બેદરકારી દાખવવા બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ત્રણેય મહિલા સરપંચોને હોદા પરથી દૂર કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવનારા સરપંચોને હોદા પરથી દૂર કરી ગામડામાં પણ લોકોનું સાંભળવુ પડશે. કામ કરવુ પડશે અને કોઇ ગેરકાયદે ખનન પ્રવૃતી જેવી કામગીરી થતી હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરવી પડશે એવુ પણ સાબીત કરી દીધુ છે. ત્યારે મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં અને થાનગઢના વેલાળા(સા)ની સીમમાં કાર્બોસેલની ખનીજ ચોરી કરતા સમયે ઉંડા કુવામાં શ્રમિકોના મોતની ગંભીર ઘટના બની હતી. આ ગંભીર ઘટના બાદ ડીડીઓ દ્વારા સરપંચોને નોટીસ પણ અપાઇ હતી. ત્યારે તપાસના અંતે આવી ખનીજ ચોરીની જાણ ન કરવાની ગંભીર બેદરકારી દાખવવા બદલ ભેટ ગામના સરપંચ મધુબેન રમેશભાઇ ડુમાણીયા અને વેલાળા(સા)ના સરપંચ જાનબાબેન સુરેગભાઇ ખાચરને તથા પાટડીના અખીયાણા ગામના નસીબાબેન અબ્બાસભાઇ મલેકે ગામમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરતા ડીડીઓ રાજેશ તન્નાએ ત્રણેય સરપંચને હોદા પરથી દૂર કરતા અન્ય સરપંચોમાં પણ ફફળાટ વ્યાપી ગયેલ છે.
બેદરકારી જણાશે ત્યાં કડક કાર્યવાહી જ થશે : ડીડીઓ
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ જણાવેલકે કોઇ પણ સરપંચ હોય કે સ્ટાફ કામમાં બેદરકારી દાખવે કે ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોય અને એની જાણ તંત્રને સરપંચના કરે એના કારણે લોકોના મોત થાય એ બાબત સેજેય ચલાવી લેવાય નહી કોઇ વિભાગ કાર્યવાહી કરે કે નહી પરંતુ હું આવી બેદરકારી દાખવનારને સસ્પેન્ડ જેવી કડક કાર્યવાહી જ કરીશ અને અન્ય સરપંંચોએ પણ ગામમાં લોકોની સમસ્યા સાંભળી દૂર કરવા માટે અને કોઇ ગેરકાયદેસર ખનન પ્રવૃતી ચાલતી હોય તો તંત્રને જાણ કરવાની કાર્યવાહી કરવી જોઇએ એવી અપીલ છે.
ગેરકાયદેસર કાર્બોસેલે બે સરપંચનો ભોગ લીધો
મૂળી, થાન તાલુકામાં ખાણખનીજ વિભાગે અગાઉ ખનીજ ચોરી કરેલા ઉંડા કુવા બુરાણ કર્યા હતા એ ખાડામાંથી માટી ઉલેચી ખનીજ ચોરી શરૂ થવા છતાંય સરપંચોએ તંત્રને આ ગંભીર બાબતની જાણ ન કરી અને ગેરકાયદેસર ખનીજચોરી સમયે ગેસગળતરના કારણે શ્રમિકોના મોત થયા બાદ સરપંચોને સસ્પેન્ડ કરાતા અન્ય સરપંચોમાં પણ ફફળાટ વ્યાપી ગયેલ છે.