ભરૂચમાં અંકલેશ્વરમાં GIDC માંથી 5,000 કરોડનું ડ્રગ ઝડપાયું : ત્રણ શખ્સોની અટકાયત કરાઈ
દિલ્હી NCB અને ગુજરાત ATSએ ભરૂચના અંકલેશ્વરમાં રેઈડ કરી 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. વધુમાં ત્રણ શખ્સોની અટકાયત કરાઈ છે.
ભરૂચ : અંકલેશ્વરમાંથી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.
અંકલેશ્વર GIDC માં રેઈડ : ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇન’ હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર GIDC માં તપાસ કરતા મોટી સફળતા મળી છે. અંદાજે પાંચ હજાર કરોડનું કોકેઈન ડ્રગ મળી આવતા બંધ બારણે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.
5,000 કરોડનું કોકેઈન ડ્રગ : મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારના રોજ ગુજરાતના અંકલેશ્વર GIDC માં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન અહીં સ્થિત આવકાર ફાર્મામાં 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
ત્રણ શખ્સ ઝડપાયા : આ મામલે હાલમાં જ દિલ્હી NCB અને ગુજરાત ATS દ્વારા આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અશ્વિન રામાની, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેસાણીયાની અટકાયત કરવામાં આવી છે.
