દુનિયામાં ૧.૧ અબજ લોકો ગરીબ, ભારતમાં ૨૩.૪ કરોડ લોકો અતિ ગરીબીમાં જીવવા મજબૂર : યૂ.એન. રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રકાશિત એક નવા રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ૧ અબજથી વધુ લોકો, અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. તે પૈકી અર્ધો અર્ધ તો, યુદ્ધગ્રસ્ત દેશોમાં છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક બહુઆયામી ગરીબી સૂચકાંક (મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ)માં જણાવ્યા પ્રમાણે યુદ્ધ દેશોમાં પોષણ, વીજળી, પાણી અને સ્વચ્છતા જેવા સંકેતો ઉપરથી અત્યાધિક ગરીબીનું સ્તર નિશ્ચિત કરાય છે.
સૌથી વધુ ગરીબ લોકો ભારતમાં છે, તેની ૧.૪ અબજની વસતીમાંથી ૨૩.૪ કરોડ લોકો અતિ ગરીબીમાં જીવી રહ્યા છે. તે પછી પાકિસ્તાન, ઇથોપિયા, નાઇજીરિયા અને કોંગો ડેમોક્રેટિક રિપબ્લિકનો ક્રમ આવે છે. આ પાંચ દેશોમાં મળી દુનિયાના ૧.૧ અબજ ગરીબો પૈકી અર્ધો અર્ધ ભાગના એટલે કે આશરે ૫૫.૫ કરોડ લોકો દારૂણ દારિદ્રમાં જીવી રહ્યા છે.
આ રિપોર્ટ દુનિયાના ૧૧૨ દેશો અને ૬.૩ અબજ લોકો વિષે પ્રાપ્ત કરેલી માહિતીના આધારે તૈયાર કરાયો છે. તેમાં ૧.૧ અબજ લોકો તો ઘોર ગરીબીમાં જીવી રહ્યા છે. તેઓએ ૪૫૫ મિલિયન લોકો તો, સંઘર્ષની છાયામાં જીવન વીતાવી રહ્યાં છે. યુએનડીપીના વડા અચીમ સ્ટાઇનરે કહ્યું તાજેતરનાં વર્ષોમાં તો સંઘર્ષો તીવ્ર બની રહ્યા છે. તેના પરિણામે અસામાન્ય સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે, તેમનાં જીવન અને આજીવિકા ઉપર વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે.
રિપોર્ટ જણાવે છે કે ૧૮ વર્ષથી ઓછી વયના ૫૮.૪ કરોડ બાળકો અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યાં છે. જે આંક દુનિયાના કુલ બાળકોના ૨૭.૯ ટકા જેટલો થવા જાય છે. જ્યારે વયસ્કોમાં તે આંક ૧૩.૫ ટકા છે.
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુદર ૮ ટકા છે, જ્યારે શાંતિપૂર્ણ દેશોમાં તે દર ૧.૧ ટકા છે. દુનિયાના સૌથી ગરીબ લોકો સબ-સહરન સ્ટેટસમાં અને દક્ષિણ એશિયામાં રહે છે. જે દુનિયાના કુલ ગરીબોના ૮૩.૨ ટકા જેટલો થાય છે.
આ સૂચકાંકમાં અફઘાનિસ્તાન અંગે એક વિભાગ જ અપાયો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ૨૦૧૫-૧૬ અને ૨૦૨૨-૨૩ વચ્ચે ૫૩ લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા છે. તે દેશમાં કુલ વસ્તીના ૨/૩ લોકો ગરીબીમાં જીવે છે. યુએનડીપીનાં મુખ્ય સ્ટેરિસ્ટિશ્યન યાંચુન ઝાંગે કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોના ગરીબ લોકોને મૂળભૂત જરૃરિયાતો પણ પૂરી પાડવી એક કઠીન અને હતાશાજનક પરિસ્થિતિ છે.
