ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; ‘બનાસની બેન ગુલાબની બેન’
આગામી 13 નવેમ્બરે ગુજરાતની માત્ર એક સીટ પર ચૂંટણી યોજાવવાની છે. પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમ થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી એકપણ પક્ષે સત્તાવાર રીતે મૂરતિયાના નામની જાહેરાત કરી નથી. હાલ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ટોચ પર છે. ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન સાથેની નિકળતા ફળી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતની નામ ફાઇનલ જ છે, બસ હવે માત્ર સત્તાવાર રીતે નામની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થાય તે પહેલાં જ ઠાકરશી રબારીએ પક્ષ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં વાવ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ઠાકરશી રબારીએ સાંસદ ગેનીબેન ઠાકોર પર જાહેરમાં કટાક્ષ કર્યો હતો. ઠાકરશી રબારી જાહેર સ્ટેજ પરથી ગેનીબેનને કહ્યું કટાક્ષ કરતાં કહ્યું હતું કે બનાસના બેન ગુલાબના બેન છે. આગળ તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે કે રબારી સમાજને કોઇપણ પક્ષ કમજોર ન સમજે અને આ સમાજને કોઇની જરૂર ન પડે. ભગવાન મને અને મારા સમાજને શક્તિ આપે. ઠાકરશી રબારીના આ નિવેદન બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ક્યાંક ને ક્યાંક ઠાકરશી સહિત રબારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હોય એવું લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે (25 ઓક્ટોબર) ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરશે ગઠબંધન
તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે. આમ આદમી પાર્ટી પેટાચૂંટણીમાં વાવ બેઠક પરથી પોતાના ઉમેદવારને મેદાને ઉતારશે નહી. આ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ જોવા મળશે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે.
વાવ બેઠક પર કોનું પ્રભુત્વ?
જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ કોંગ્રેસને હરાવી વાવ બેઠક કબજે કરવા માટે બને તેટલું જોર લગાવવામાં આવશે તે નક્કી છે.
