અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમીટેડમાં ગેસ ગળતર થી ૨ ના મોત, ૭ અસરગ્રસ્ત
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ કેમિકલ ફેકટરીમાં ગેસ ગળતરને કારણે બે કામદારોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે સાત જેટલા કર્મચારીઓને ઝેરી ગેસની અસર થતા તેમને સારવાર અર્થે મણીનગરની એલ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમીટેડમાં ગેસ ગળતર થવાને કારણે બે કામદારોના મોત થયા છે. જ્યારે સાત કામદારોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે મહાનગરપાલિકા સંચાલિત એલ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના સત્તાવાળાઓએ, સારવાર અર્થે દાખલ સાત કામદારો પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. સમગ્ર ઘટના અંગે કામદારોના પરિવારજનોએ, કેમિકલ ફેકટરીમાં સેફ્ટિના સાધનોના અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે.
સમગ્ર બનાવ અંગે સામે આવી રહેલ વિગતો અનુસાર નારોલની દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતુ હતુ તે સમયે ઘટના છે. બ્લિચીંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં કામદારોને અસર થઈ છે. પોલીસ, જીપીસીબી, ફેક્ટરી ઇન્સ્પેક્ટ સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.
દરમિયાન અમદાવાદ ઝોન-6ના ડિસીપી એલજી હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યા તેમણે જણાવ્યું હતું કે, એફએસએલ અને જીપીસીવીએન નો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. જો કોઈ ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલ અને જીપીસીવીએન ના રિપોર્ટના આધારે કંપનીમાં ગેસ લીક અંગેની ફરિયાદ નોંધવામાં આવશે.
