કેનેડાની સંસદમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો ભાગ નહીં લે, હિન્દુઓમાં નારાજગી
ભારતની સાથે વધતા જતા તણાવ વચ્ચે કેનેડામાં વિપક્ષની ભૂમિકા ભજવતી કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી જૂના દિવાળી સમારોહમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. આ કારણસર ઈન્ડો-કેનેડિયન સમાજમાં નારાજગી અને આક્રોશ પણ છે. જો કે, હવે આ કાર્યક્રમનું આયોજન લિબરલ પાર્ટીના સાંસદ કરશે.
વાત એમ છે કે, વર્ષ ૧૯૯૮ માં સંસદમાં પર દિવાળીની શરૂઆત કંઝર્વેટિવ પાર્ટીના દિવંગત સાંસદ દીપક ઓબેરોયે કરી હતી. ૨૦૧૯ માં તેમના નિધન બાદ કેનેડાની સંસદમાં દર વર્ષે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો જ દિવાળીની ઉજવણી કરતા હતા. જો કે આ વખતે કન્ઝર્વેટિવ આ કાર્યક્રમની મેજબાનીથી જ દૂર રહેશે. દિવાળી કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું તેમણે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી, પરંતુ આ નિર્ણય પાછળ ભારત-કેનેડાના વણસી રહેલા સંબંધ જ જવાબદાર છે.
આ વર્ષે કેનેડાની સંસદમાં લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્ય અને કેલગરી સ્થિત ઓબેરોય ફાઉન્ડેશનની સંયુક્ત રીતે દિવાળી સમારંભની મેજબાની કરશે.
એક પ્રેસ રિલીઝમાં મંગળવારે ઓબેરોય ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રીતિ ઓબેરોય માર્ટિને કહ્યું કે ‘સંસદ હિલ પર દિવાળી સમારંભ ૨૪ મા વર્ષમાં છે અને મારા પિતા દીપક ઓબેરોયે હંમેશા આ ક્રાર્યક્રમને નિષ્પક્ષ રીતે જોયો હતો.
તેમાં પાર્ટીના રાજકારણથી ઉપર જઇને સંસ્કૃતિના જશ્નની ઉજવણી થાય છે. ચંદ્ર આર્ય હંમેશા આ આયોજનના સમર્થક રહ્યા છે. એટલા માટે અમારા પરિવાર માટે સન્માનની વાત છે કે તે આ વર્ષે પાર્લામેન્ટ હિલ પર સમારોહની મેજબાની થઈ રહી છે.’
બીજી તરફ, ભારતીય સમાજના લોકોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ વાતને તેઓ પણ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધી રહેલા ઘર્ષણ સાથે જોડી રહ્યા છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કેનેડા ના અધ્યક્ષ શિવ ભાસ્કરે આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે ‘આ મહત્ત્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજનેતાઓની નિષ્ફળતાઓ, ખાસ કરીને વર્તમાન નાજુક સમયમાં, ભારતીય-કેનેડિયન લોકોને સ્પષ્ટ સંદેશ આપે છે કે અમને તમારા સાથીદાર કેનેડિયન તરીકે નહીં, પરંતુ બહારના લોકોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.’
આ માટે શિવ ભાસ્કરે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે માફીની માંગ કરતાં કહ્યું કે ‘કેનેડા અને ભારત વચ્ચેના રાજકીય સંબંધોના કારણે સ્થાનિક નેતાઓનું ભારતીયો સાથે વર્તન અચાનક બદલાઈ ગયું છે. આ નિર્ણયથી હિન્દુઓને ઠેસ પહોંચી છે.’