બુલંદ આત્મ વિશ્વાસ અને નૂતન ઉર્જા સાથે આજે નૂતન વર્ષના વધામણા કરાશે

બુલંદ આત્મ વિશ્વાસ અને નૂતન ઉર્જા સાથે આજે નૂતન વર્ષના વધામણા કરાશે

– સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કથિત દુખ…

– ભૂતકાળની કડવી યાદો, નકારાત્મક વિચારોને એક સાઈડ મુકીને ભાવનગર શહેર અને જિલ્લાભરમાં લોકોએ અંધકારમાંથી પ્રકાશ તરફ જતા દિપોત્સવીની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી 

ભાવનગર : સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ,મા કથિત…. અર્થાંત નૂતન વર્ષે સૌ કોઈ સુખી બની રહે, સ્વસ્થ બની રહે, સૌ કોઈને શુભ દ્રષ્ટિ મળે, કોઈને દુખ ન મળે તેવી માંગલિક અને ઉમદા ભાવના સાથે આવતીકાલ તા.૨ નવેમ્બરને શનિવારે નૂતન વર્ષ વિક્રમ સવંતનો મંગલમય શુભારંભ થઈ રહ્યો છે. સર્વે જીવસૃષ્ટિ પીડામાંથી મુકત થાય તેવા બુલંદ આત્મવિશ્વાસ સાથે  આવતીકાલે શનિવારે ગોહિલવાડમાં ચોમેર નૂતન વર્ષના હરખભેર વધામણા કરવામાં આવશે.

ગુરૂવારે ધોકા સાથે વિક્રમ સવંતનુ ચાલુ વર્ષ વિદાય લઈ રહેલ છે. ગત વર્ષ દરમિયાન કડવી યાદો અને નકારાત્મક વિચારોને એક સાઈડ મુકીનેે હિન્દુ પંચાગના અંતિમ દિવસ યાને આસો વદ અમાસની ગોહિલવાડમાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે અત્ર, તત્ર અને સર્વત્ર ખુશાલીનું વાતાવરણ છવાયેલુ રહ્યુ હતુ. દિવાળીની રાત પડતાની સાથે જ ગોહિલવાડના ગગનમાં એક એકથી ચડીયાતા અવનવા ફટાકડાની નયનરમ્ય રંગોળીઓ સર્જાઈ હતી. આ સાથે ઉત્સાહના માહોલમાં લોકોએ પરસ્પર દિપોત્સવીની શુભકામનાની પરસ્પર આપલે કરી હતી. દિવાળીની સાંજે સ્થાનિક મુખ્ય અને પરા વિસ્તારોની બજારોમાં, રહેણાંકીય સોસાયટીઓ, ધર્મસ્થાનકોમાં મનોહર રોશનીનો શણગાર સર્જાયો હતો.

લોકોના ઘરના આંગણાઓ, ચિત્તાકર્ષક રંગોળીઓ, દિવડાઓ અને લબુક ઝબુક રોશનીઓથી ઝળહળી ઉઠયા હતા.  આ સાથે ધર્મસ્થાનકો તેમજ વ્યાપારી પેઢીઓમાં મંગલ મુર્હૂતે વેપારીઓએ તેમના ધંધા રોજગારની પ્રગતિ માટે પરંપરાગત રીતે ચોપડા પૂજન કર્યુ હતુ. દિવાળીના લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજનવિધિ કર્યા બાદ મોટા ભાગના વેપારીએકમો આગામી લાભપાંચમના પર્વ સુધી બંધ રહેશે. આ સાથે દશેક દિવસથી સ્થાનિક બજારો રોશનીઓથી ઝળહળા હતી તે હવે સુમશામ ભાસશે. મીની વેકેશનના માહોલ વચ્ચે આબાલવૃધ્ધ સૌ કોઈ પ્રાકૃતિક, પર્યટન સ્થળોએ ફરવા માટે અને સાથોસાથ ધર્મસ્થાનકોમાં દર્શનાર્થે ઉમટી પડશે. રાત્રે કાન ફાડી નાખે તેવા બોમ્બના ધડાકાઓ, આકાશમાં એક એકથી ચડીયાતી આતશબાજીની રંગોળી રચી પર્વાધિરાજ દિપોત્સવીની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.

દિવાળી બાદ શુક્રવારે ધોકો આવતા નૂતન વર્ષની ઉજવણીના તહેવારનો રંગ ભાંગ્યો હતો. આવતીકાલે શનિવારે નૂતન વર્ષના મંગલ પ્રભાતે ધર્મસ્થાનકોમાં સૌ કોઈ સજી ધજીને મંગળા દર્શન કરવા માટે ઉમટી પડશે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શુભ મુર્હૂતે ગોવર્ધન પૂજા કરાશે. બાદ દિવસ દરમિયાન વડીલોને પાયલાગણ, સગા સબંધીઓ, મિત્રવર્તુળને ગળે મળી, હાથ મિલાવી, શુભેચ્છાની આપલે કરાશે. જયારે આગામી તા. ૩ નવેમ્બરને રવિવારે ભાઈ અને બહેનના નિર્મળ અને પવિત્ર પ્રેમના પ્રતિક સમાન ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં આવશે. ભાઈ બીજના પર્વે ભાઈ પરિણીત બહેનોના ઘરે જમીને સ્મૃતિભેટ આપશે જે સ્વીકારી બહેન તેમના ભાઈના દિર્ઘ આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરશે. જયારે આગામી તા. ૭ નવેમ્બરને ગુરૂવારે લાભ પાંચમ ઉજવાશે. આ દિવસથી વેપારીઓ, દુકાનદારો દ્વારા નવા વર્ષના વેપાર ધંધાનુ શુભ મુર્હૂત કરશે.

નૂતન વર્ષની મંગળ પ્રભાતે વડીલોને પાયલાગણ કરી સગા સંબંધિઓ અને મિત્ર વર્તુળને ગળે મળી, હાથ મિલાવી નવા વર્ષની શુભકામનાની આપ-લે કરાશે

આજે પ્રભાતે શુકનનું મીઠુ, શુકનનું કંકુ સાંભળવા મળશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષના મંગલ પ્રભાતે ગોહિલવાડની રહેણાંકીય વસાહતોમાં કન્યાઓ શુકનનું કંકુ અને શુકનનું મીઠુ … મોટેથી બોલીને કંકુ અને મીઠુ ભરેલી થાળીઓ લઈને નિકળી પડશે.  તેઓ ઘરે ઘરે ફરતા ગૃહિણીઓ હોંશે હોંશે તેઓની પાસેથી શુકનનું કંકુ અને મીઠુ લઈને તેઓને યથાશકિત રોકડ નાણા આપીને રાજી કરશે

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર