ઈઝરાયેલ હુમલો કરશે તો યુદ્ધની અસર આખી દુનિયા પર થશે : ઈરાન

ઈઝરાયેલ હુમલો કરશે તો યુદ્ધની અસર આખી દુનિયા પર થશે : ઈરાન

ડોનાલ્ડ ટ્રમ્પને ‘અગાઉની દબાણની નીતિ’ બદલવા ઈરાનની ચેતવણી

ઈઝરાયેલનો મધ્ય ગાઝામાં સાત મહિનામાં આઠમી વખત અલ-અક્સા હોસ્પિટલ પર હુમલો, છેલ્લા ૨૪ કલાકમાં ૪૭નાં મોત

તહેરાન / બેરુત:
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથગ્રહણ પહેલાં ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવા ઈઝરાયેલને મંજૂરી આપી હોવાનો ટ્રમ્પના સલાહકારો દાવો કરી રહ્યા છે અને અમેરિકાએ ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મુક્યો છે.
આવા સમયે ઈરાને ટ્રમ્પને તેમના અગાઉના કાર્યકાળમાં અપનાવાયેલી દબાણની નીતિ બદલવા અને ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો યુદ્ધની અસર આખી દુનિયા પર થશે તેવી ચેતવણી આપી છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો મુદ્દે સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે.

આવા સમયે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે લેબનોન અને ગાઝામાં ચાલતું યુદ્ધ ફેલાશે અને ઈરાન પર હુમલા થશે તો તેની અસર માત્ર પશ્ચિમ એશિયા જ નહીં આખી દુનિયા પર જોવા મળશે.

તેમણે ઉમેર્યું કે, ઈઝરાયેલે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ વિરામ સ્થાપિત કરવાના બધા જ પ્રસ્તાવ ફગાવી દીધા છે.

ઈઝરાયેલ સતત ગાઝા અને લેબનોન પર હુમલા કરીને હજારો નિર્દોષોને મારી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય પણ યહુદી રાષ્ટ્રના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

અરાઘચીએ ચેતવણી આપતા કહ્યું કે, દુનિયાને ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ ફેલાશે તો તેની વિપરિત અસર દુનિયાના અનેક દેશો સુધી થઈ શકે છે.

અસુરક્ષા અને અસ્થિરતા એવી બાબતો છે, જે અન્ય ક્ષેત્રોમાં ઘણે દૂર સુધી પણ ફેલાઈ શકે છે.

ઈઝરાયેલે તેની આક્રમક્તા અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ચાલુ રાખીને માત્ર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા જ જોખમમાં નથી નાંખ્યા પરંતુ તેણે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે પણ ગંભીર પડકાર ઊભો કર્યો છે.

આ સાથે ઈરાને અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રહ કર્યો કે તેમણે તેમના પહેલા કાર્યકાળ સમયની તેના વિરુદ્ધ અપનાવાયેલી ‘મહત્તમ દબાણ’ની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ.

ટ્રમ્પે બતાવવું જોઈએ કે તેઓ ભૂતકાળની ખોટી નીતિઓનું પાલન નહીં કરે.

દરમિયાન ઈઝરાયેલે ગાઝા અને લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા છે.

ઈઝરાયેલે સાત મહિનામાં આઠમી વખત મધ્ય ગાઝાની અલ-અક્સા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે.

આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

આ સિવાય વિવિધ હુમલામાં પેલેસ્ટાઈનના કુલ ૪૭ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

જોકે, ઈઝરાયેલે દાવો કર્યો કે તેણે હમાસના આતંકીઓને નિશાન બનાવ્યા હતા.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર