બળવાખોરોથી કંટાળી કોંગ્રેસ, ૨૮ નેતાને પાર્ટીમાંથી તગેડયા , મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં મોટી કાર્યવાહી
મહારાષ્ટ્ર કોંગ્રેસે રવિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 28 બળવાખોર ઉમેદવારો સામે કડક એક્શન લેતાં તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. આ બળવાખોરોએ 22 વિધાનસભા મતવિસ્તારોમાંથી મહાવિકાસ અઘાડીના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી માટે ઝંપલાવી દીધું હતું.
કોની કોની સામે કાર્યવાહી
કોંગ્રેસની ગાજ જે નેતાઓ પર પડી છે તેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર મુલક (રામટેક મતવિસ્તાર), યાજ્ઞવલ્ક જીચકર (કાટોલ), કમલ વ્યવહારે (કસબા), મનોજ શિંદે (કોપરી પચપખાડી) અને આબા બાગુલ ઉપરાંત અન્યો સામેલ છે. કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય AICC ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલાના નિર્દેશ પર લેવામાં આવ્યો છે.
કુલ 28 નેતાને તગેડી મૂક્યાં
કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં શામકાંત સનેર, રાજેન્દ્ર ઠાકુર, મનીષ આનંદ, સુરેશ કુમાર જેથલિયા, કલ્યાણ બોરાડે અને ચંદ્રપોલ ચૌકસી પણ સામેલ છે. અગાઉ પણ પાર્ટીએ 21 જેટલાં બળવાખોરોને સસ્પેન્ડ કર્યા હતા. જેની સાથે 22 મતવિસ્તારમાં સસ્પેન્ડ થનારા નેતાઓની સંખ્યા કુલ 28 થઈ ગઈ છે.
પાર્ટીએ પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી
ઉલ્લેખનીય છે કે આ સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારો મહા વિકાસ અઘાડી (MVA)ના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ, કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું હતું કે સત્તાવાર MVA ઉમેદવારો સામે લડતા તમામ પક્ષના બળવાખોરોને છ વર્ષના સસ્પેન્શનનો સામનો કરવો પડશે.
