રક્ષક બન્યો ગુંડો: અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો
બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી નીકળ્યો છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
વિરેન્દ્ર પઢેરીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પોલીસકર્મીની પંજાબથી ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પંજાબના સંગરુરથી દબોચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ત્રણ ટીમો કેસનો ભેદ ઉકેલવામાં લાગી હતી. પકડાયેલ આરોપી વિરેન્દ્ર પઢેરીયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જ્યારે દિવાળી સમયથી વિરેન્દ્ર સિકલીવ ઉપર હતો. વર્ષ 2008-2009 બેચના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢેરીયાની સંડોવણી બોપલ કેસમાં ખુલી હતી. અગાઉ આરોપી વીરેન્દ્રસિંહ કોલ સેન્ટરમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિરેન્દ્ર પઢેરીયા બાવળાના એદરોડા ગામનો વતની છે.
અગાઉ પણ ‘કાંડ’ કર્યો હતો!
અગાઉ પણ આરોપી પોલીસકર્મી એક ગુનામાં ઝડપાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017માં અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બાવળામાં ચાલતા ગેરકાયદેસર કોલસેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. બાવળા ખાતે બાવળા સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્ષના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તારીખ 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી એક યુવતી સહિત 13 શખ્સોને કેાલ સેન્ટર ચલાવતા ઝડપી લેવાયા હતા. આ કોલ સેન્ટરમાં અમદાવાદ શહેરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા સહિત 13 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
શહેરના બોપલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાર ચાલક સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે 2 વિદ્યાર્થીઓએ કાર સ્પીડમાં ન ચલાવવા ટકોર કરી ત્યારે કાર ચાલકે છરી વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી હતી.
