ધ્રાંગધ્રા: રેગિંગકાંડના આરોપીઓને કડક સજાની માંગ સાથે લોકોનો જનાક્રોશ
પાટીદાર યુવાનને ન્યાય અપાવવા તમામ સમાજે એકઠા થઇ આવેદન પાઠવ્યું
સુરેન્દ્રનગર, તા.23
પાટણના ધારપુર ખાતે મેડિકલ કોલેજના યુવાન સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ બાદ યુવાનની અચાનક તબિયત લથડતાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યાં પીડિત યુવાનનું મોત થયું હતું.
ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના આ પીડિત યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા જ્યારે યુવાનના પરિવારજનો દ્વારા મેડિકલ કોલેજના જ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ કરી પોતાના વ્હાલસોયા દીકરાને મોત તરફ ધકેલવામાં આક્ષેપ સાથે ગુન્હો પણ નોંધાવ્યો હતો.
જે બાદ આખોય મામલો રાજ્યભરમાં ગુંજ્યો હતો. યુવાન સાથે થયેલ રેગિંગ મામલે ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્યે પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી જવાબદારો સામે કડક સજાની માંગ કરી હતી.
તેવામાં ગઈકાલે ધ્રાંગધ્રા ખાતે પણ પાટીદાર સમાજ દ્વારા પીડિત મૃતક યુવાનને ન્યાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા મામલે રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું.
પાટીદાર યુવાન સાથે થયેલ અમાનવીય વર્તનની નિંદા કરતા અન્ય સમાજના લોકો પણ રેલીમાં સ્વયંભૂ જોડાયા હતા
અને જોતજોતામાં હજજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ધ્રાંગધ્રા સેવા સદન ખાતે જઈ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને આવેદન પત્ર આપ્યું હતું .
મૃતક યુવાનને ન્યાય મામલે માત્ર સામાન્ય લોકો જ નહિ પરંતુ રાજકીય પક્ષના નેતાઓ પણ ભાજપ – કોંગ્રેસની નેતાગીરી ભૂલીને એક સાથે એકઠા થઈ યુવાનને ન્યાય માટે માંગ કરતા આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્ર પાઠવવા મૃતક યુવાનના પરિવારજનો સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ઉદ્યોગપતિ જયેશભાઇ પટેલ, પાટીદાર સમાજના મહિલા આગેવાન ગીતાબેન પટેલ, સનતભાઇ ડાભી સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા.