બજારમાં શક્તિ ગેટ પાસે ટ્રાફિક સમસ્યા જોવા મળી : તંત્ર નિદ્રાંધિન : પોલીસ દ્વારા કોઈ પગલા નહીં
ધ્રાંગધ્રામાં પોલીસવડાના લોકદરબારમાં ટ્રાફિકની રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર
ધ્રાંગધ્રામાં જિલ્લા પોલીસવડાના ઈન્સ્પેક્શનમાં યોજવામાં આવેલા લોકદરબારમાં આગેવાનો અને વેપારીઓ દ્વારા શહેરની બજારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્નો ગાજ્યો હતો.
આ ઉપરાંત વેપારીઓના દબાણ લારીગલ્લાના અને વાહનોના આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે જિલ્લા પોલીસવડા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી પણ પોલીસ દ્વારા કોઈ પગલા લેવાયા નહીં.
બજારમાં શક્તિ ગેટ આજુબાજુ અને સામે આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી.
ધ્રાંગધ્રા શહેરમાં શક્તિ ગેટ, પોલીસ ચોકી, રાજકમલ ચોક, જૂની શાકમાર્કેટ રોડ, નવયુગ રોડ પર આડેધડ પાર્કિંગ અને વેપારીઓના દબાણ લારીગલ્લાને લઈને લોકોને નીકળવું મુશ્કેલ બન્યું છે.
ત્યારે જિલ્લા પોલીસવડાના ઈન્સ્પેક્શનમાં યોજવામાં આવેલા લોકદરબાર વેપારીઓ અને આગેવાનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યા દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પીઆઈ એમ.યુ.મસ્સીને સૂચના આપી હતી.
ત્યારે લોકોને આશા હતી કે કોઈ નક્કર પગલા લેવામાં આવશે.
પરંતુ પોલીસ દ્વારા બહેરા કાને અવાજ ન સાંભળ્યો હોય તેમ દેખાવ પૂરતા પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલકો સાથે બેઠક યોજી ફોટા પડાવી દેખાવ કરી સંતોષ માન્યો.
બજારમાં કોઈ ટ્રાફિક જવાન, હોમગાર્ડ, પોલીસ કે અધિકારી, ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ફીલ્ડમાં જોવા મળ્યા નથી.
ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર જોવા મળી હતી.
ત્યારે જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યાની સૂચનાને ઘોળીને પી જનાર ધ્રાંગધ્રા સીટી પોલીસ આમ આદમીની રજૂઆત શુ સાંભળે.
આમ જિલ્લા પોલીસવડાના લોક દરબારની રજૂઆત જાણે મજાક બની ગઈ તેવું લાગી રહ્યું છે.