Swami Chinmay Das Lawyer
બાંગ્લાદેશ : સ્વામી ચિન્મય દાસના વકીલ થવા કોઈ તૈયાર નથી : તેઓને તેથી જામીન ન મળી શક્યા
– પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર કરી બાંગ્લાદેશ ભારતે જ રચ્યો છે
– ચિન્મય દાસના વકીલ તરીકે રહેવા રમણ રૉય પર ઘાતક હુમલો થયો હતો : તેઓ ICU માં છે તેઓનાં ઘરમાં તોડફોડ કરાઈ
ઢાકા : ઇસ્કોનના મહંત સ્વામી ચિન્મય કૃષ્ણદાસની બાંગ્લાદેશમાં રાજ્યદ્રોહના અપરાધસર ધરપકડ થઈ હતી.
તેઓને જામીન માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ વતી કોઈ વકીલ હાજર ન રહેતાં સુનાવણી મોકુફ રખાઈ હતી.
આથી ચિન્મય કૃષ્ણદાસને જામીન મળી શકતા નથી.
કૃષ્ણદાસના વકીલ તરીકે પહેલાં રમણ રૉય તેઓના વકીલ તરીકે ઊભા રહ્યા હતા.
પરંતુ કેટલાંક કટ્ટરવાદીઓએ તેઓ ઉપર ભયંકર હુમલો કરતાં તેમને અનેક ઈજાઓ થઈ હતી.
તેથી તેઓને હોસ્પિટલમાં લઈ જવા પડયા હતા. જ્યાં તબીબોએ તેમને આઈસીયુમાં દાખલ કર્યાં છે.
રમણ રૉયની આ સ્થિતિ જાણી સહજ રીતે જ અન્ય કોઈ તેઓના વકીલ થવા તૈયાર નથી.
આથી ચિન્મય કૃષ્ણદાસના જામીનની આશા પર પાણી ફરી વળ્યું છે.
દરમિયાન અગરતલામાં આવેલા બાંગ્લાદેશના ઉપ-રાજદૂતાવાસી સામે એક હજારથી વધુ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો, પરંતુ પોલીસે તુર્ત જ પરિસ્થિતિ કાબુમાં લઈ લીધી હતી.
આ ઘટના અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિત બાંગ્લાદેશના દૂતાવાસ દ્વારા યુનુસ સરકારની માફી માગી હતી.
પરંતુ ઢાકામાં ભારતના દૂતાવાસ ઉપર થયેલી પથ્થરબાજી અંગે નોબેલ પ્રાઇઝ વિજેતા મોહમ્મદ યુનુસની સરકારે ભારતની માફી માગવાની હજી તકલીફ લીધી નથી.
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરોધી જાગેલાં ઝનૂન અને શ્રેણીબદ્ધ હુમલાઓ અંગે આઘાત વ્યક્ત કરતાં વિચારકો કહે છે કે, પહેલાં પાકિસ્તાનનો જ એક ભાગ રહેલાં પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાને અનેક રીતે શોષણ શરૂ કરતાં તે સામે જાગેલા વ્યાપક વિરોધ વંટોળ અને ઊભી થયેલી સેના બંગવાહીનીને સહાય કરી ભારતીય સેનાએ જ પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર કરી બાંગ્લાદેશનું સર્જન કર્યું.
તે ભારતીય સેનામાં મોટા ભાગના જવાનો હિન્દૂઓ જ હતા. આમ અન્ય રીતે કહીએ તો હિન્દૂઓએ જ બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું.
સ્વતંત્ર થયા પછી તે દેશને આર્થિક ભીસ આવી ત્યારે ભારતે જ સહાય કરી હતી. ભારતીય જનતાએ પણ તેમાં સાથ આપ્યો હતો.
પોસ્ટકાર્ડ એન્વેલેપ (કવર) કે રજીસ્ટર એડી. વગેરે તમામ ઉપર નિશ્ચિત ચાર્જની ટિકીટો ઉપરાંત બાંગ્લાદેશની સહાય માટે વધારાની ટિકીટો બગાડવી પડતી હતી.
તે રીતે ભારતની જનતા જેમાં હિન્દુ બહુમતી છે. તેણે બાંગ્લાદેશને સહાયભૂત થવા પ્રયત્ન કર્યા.
તે બધું ભૂલી જનાર બાંગ્લાદેશના હિન્દૂ વિરોધી રમખાણકારોને ફિટકાર આપવા માટે શબ્દો ઓછા પડે તેમ છે.
