વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો
મરચાના ગૃહ ઉધોગ થકી 50થી વધુ મહિલાઓ આત્મનિર્ભર, રોજના 300 રૂપિયાનું મળે છે વળતર
બહેનો દ્વારા આ રાયતા મરચા બનાવામાં આવે છે. અને રોજના 300 રૂપિયા જેટલું વળતર મળે છે.
હાલ દરરોજના 100 કિલોથી વધુ મરચા બનાવવામાં આવે છે.
આ મરચા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે.
સાથે સાથે આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગ્રુહ ઉધોગ દ્વારા પચાસથી વધુ મહિલાઓને રોજીરોટી પુરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે.
આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ સંસ્થામાં કામકરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે.
જે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે.
વઢવાણ પંથકમાં શિયાળમાં ઉત્પાદન થતાં મરચાની ખુબ માંગ રહે છે .
ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે.
જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે.
જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 6થી 8 મહિના સુધી સરખો જ રહે છે.
મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરીયર ચાર્જ ચૂકવીને પણ અમેરીકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે.
આ મરચાના ઉધોગ સાથે અંદાજે 50થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 100થી 150 કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે.
શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 3500 કિલો જેટલા મરચાનું વેચાણ કરે છે.
જેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી છે.
રાયતા મરચાના ઉધોગ સાથે સંકળાયેલા મહિલાઓ દૈનિક રૂપિયા 300થી વધુ આવક મેળવી શકે છે.
આમ વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉધોગ થકી 50થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે આ રાયતા મરચાનો સ્વાદ છેક સાત સમંદર પાર સુધી પહોંચાડ્યો છે.
