સુરેન્દ્રનગરની આર્ટસ કોલેજથી ઉપાસના સર્કલના માર્ગો પરથી ૪૦ દબાણ દૂર કરાયા
પાલિકા, ટ્રાફિક પોલીસ અને બી ડિવિઝન પોલીસ દ્વારા દબાણની કાર્યવાહી હાથ ધરાઇ
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા, ટ્રાફિક પોલીસ અને બી ડિવિઝન પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જેમાં શનિવારે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ લારી ગલ્લા ગેરકાયદે જણાતા કાર્યવાહી હાથ ધરી 40થી વધુ દબાણ દૂર કરાયા હતા.
સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વિસ્તારોના માર્ગો પર દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યાઓ વકરી રહી છે.
બીજી તરફ શહેરના મુખ્ય માર્ગોની બંને સાઇડો પર ગેરકાયદે દબાણોનું દૂષણ વધતા રાહદારીઓને ચાલવામાં તેમજ વાહનચાલકોને વાહનો લઇને નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
દિવસે દિવસે શહેરના રસ્તાઓ દબાણોના કારણે સાંકડાઓ થતા અકસ્માતનો બનાવો વધી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના મુખ્યમાર્ગો પર પાથરણા, લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આથી શનિવારે ટ્રાફિક પીએસઆઇ એલ.બી.બગડા, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર.ડાંગર તેમજ પાલિકાના કર્મચારી મયુરસિંહ, રાહુલભાઈ સાથે રહી કામગીરી કરી હતી.
