રૂ. ૨.૭૦ લાખ વસૂલાયા : જિલ્લામાં તોલમાપના નિયમ ભંગ કરનાર ૫૧ દંડાયા
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે સૂચના આપી હતી.
જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, નવી જગ્યાએ ખોલવાપાત્ર દુકાનોની યાદી, હાલ જિલ્લાને મળતો જથ્થો, નવેમ્બર માસમાં વિતરણ થયેલો જથ્થો, ગ્રાહકોના રજુ થયેલા પ્રશ્નો, કાનૂની માપ વિજ્ઞાન ખાતા દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી.
હાલ જિલ્લામાં કુલ 536 વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. એનએફએસએ 249816 કાર્ડ અને નોનએનએફએસએ 196522 કાર્ડ નોંધાયેલા છે.
નવેમ્બર માસમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા 23 જેટલા પેટ્રોલ પંપ, એલપીજી ગેસ ડીલર, એજન્સી, ફેરિયા – 6, સસ્તા અનાજની દુકાનો – 15, અન્ય વેપારી, ફેરિયાના – 434 એકમો સહિત કુલ 478 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે પૈકી 51 સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુના માંડવાળ પેટે રૂ.22,300 તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.2,70,335 ફી વસૂલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
