યુવક રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યો : લીંબડીના યુવાનની વડિલો પાર્જિત જમીનના ભુમાફિયાઓએ ખોટા દસ્તાવેજ ઉભા કરી પચાવી પાડવાનો કારસો રચતા સી.એમ સુધી રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના યુવાનની વડીલો પાર્જિત જમીન ભુમાફિયાઓ મંડળી રચી ગેરકાયદે દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવવાનો કારસો રચતા યુવાન ગાંધીનગર મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જેમાં લીંબડીના યુવાને ગાંધીનગર મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરતા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રહેતા કિરીટસિંહ ખોડુભા રાણા અને એમના પુત્ર કિશોરસિંહ રાણાની વડીલો પાર્જિત મિલ્કત પૈકી મોજે લીંબડીમાં આવેલી ખાતા નં- 21, સર્વે નં- 680 પૈકી-1ની જમીન પર ભુમાફિયા ભરવાડ યોગેશભાઈ પોપટભાઈ તથા તેના દીકરા આણી મંડળી રચી ખોટા દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર દસ્તાવેજ ઉભા કરી હેરાન કરી જાનથી મારી નાખવાની તેમજ ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે. હાલ આ મિલ્કત હજી એમના નામે જ બોલે છે.
આ અંગે પરિવારજનો દ્વારા સ્થાનિક લેવલે અનેકો રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા કિરીટસિંહ ખોડુભા રાણા અને એમના પુત્ર કિશોરસિંહ રાણાએ ગાંધીનગર દોડી જઈ ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મહેસુલ મંત્રી અને ગુજરાતના ડી.જી.પી.ને લેખિત રજુઆત કરતા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
આ અંગે લીંબડીના કિશોરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમારી વડીલો પાર્જિત જમીન પર કેટલાક લોકોએ આણી મંડળી રચી ખોટા દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર દસ્તાવેજ ઉભા કરી હેરાન કરી જાનથી મારી નાખવાની તેમજ ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે. આથી અમો ગાંધીનગર મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્યપાલ અને ડીજીપીને રજૂઆત કરવા આવ્યા છીએ.
