ધ્રાંગધ્રામાં મંજૂરી વગરની બોગસ સ્કૂલમાં બીજા સત્રનો પ્રારંભ છતાં કાર્યવાહી નહીં
શિક્ષણ વિભાગની મંજૂરી વગર ધમધમતી સ્કૂલ સામે પગલાં ક્યારે ?
રાજ્યમાં બોગસ બિયારણ, અધિકારી, કોર્ટ ઝડપાઈ ચૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ચાલતી બોગસ સ્કૂલ પર કાર્યવાહી કરવા હજુય તંત્ર લાજ કાઢતું હોય તેવું નજરે પડે છે. ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક આવેલી સ્કૂલ શિક્ષણ વિભાગની મંજૂરી વગર શરૂ કરી દેવાઈ છે. જેના સામે ઉચસ્તરે રજૂઆત પણ થઈ હતી પરંતુ લેખિત રજૂઆતને શિક્ષણ વિભાગ ક્યાં ગાંઠે છે ? જેથી “ખાસ ખબર” દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર જાગ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધ્રાંગધ્રાના તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપાઈ હતી પરંતુ તપાસના નામે કુલડીમાં ગોળ ભાંગે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી જે બાદ અંતે ધ્રાંગધ્રાના બી.આર.સી જીગ્નેશભાઈ પટેલને પૂન: તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસના અંતે મંજૂરી વગર બોગસ ચાલતી સ્કૂલમાં 14 બાળકો એવા હતા જેઓ પાંચ વર્ષથી વધુ ઉંમરના હતા અને આ 14 બાળકોને બાલવાટિકામાં અભ્યાસ કરાવો જરૂરી હતો પરંતુ આજેય આ બોગસ સ્કૂલ દ્વારા પાચ વર્ષથી વધુની ઉંમરના બાળકો સહિત 45 બાળકોનું એલ.કે.જી રજીસ્ટરમાં જ નામ દાખલ કરાયું છે. ત્યારે ગત 2024ના માર્ચથી મંજૂરી વગર જ અધરઅધ્ધર ચાલતી સ્કૂલની દિવાળીના વેકેશન બાદ ફરીથી બીજું સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને આવતા દિવસોમાં આખુંય વર્ષ પૂર્ણ થઈ જશે છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે વર્ષ પૂર્ણ થયાના અંતે જ્યારે અહીં અભ્યાસ કરતા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો સમય આવશે ત્યારે આ બાળકોનું ભવિષ્ય શરૂ થયા પુર્વે જ અંધકારમાં જતું રહે તેવા એંધાણ નજરે પડી રહ્યા છે.
મંજૂરી વગર ચાલતી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે ?
ધ્રાંગધ્રા શહેરમાં શિક્ષણ વિભાગની મંજૂરી વગર ચાલતી બોગસ સ્કૂલ સામે અનેક અખબારી અહેવાલ અને રજૂઆતો કરાઈ છતાં હજુય શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સામે કોઈ પગલા ભરાયા નથી જેથી શિક્ષણ વિભાગને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં કોની શરમ આવે છે ? તેવો પ્રશ્ન સૌ કોઈના મનમાં ઉદભવ થઈ રહ્યો છે.
