ચીને ચારેબાજુથી ભારતના સિરામિક ઉદ્યોગને ઘેર્યો : ઉદ્યોગપતિ : આપણી જ માટીથી મોરબીને બરબાદ કરે છે , મંદીનો ઉપાય વેકેશન , માલિકમાંથી મજૂર બની ગયો : વેપારી
ઉદ્યોગપતિઃ આપણી જ માટીથી મોરબીને બરબાદ કરે છે, મંદીનો ઉપાય વેકેશન, માલિકમાંથી મજૂર બની ગયો: વેપારી
ચીને ચારેબાજુથી ભારતના સિરામિક ઉદ્યોગને ઘેર્યો
છેલ્લા ઘણા સમયથી ચીને આપણા પડોશી દેશોને પોતાના બગલબચ્ચા બનાવી દીધા છે. જેની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ પડવા લાગી છે. છેલ્લા દોઢ વર્ષથી સિરામિક ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો છે. તાજેતરમાં મોરબીના સિરામિકના કારખાનામાં કામ કરતા રવિ કનેરિયા નામના યુવકે મચ્છુ ડેમ-3માં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ મુજબ, આ આત્મહત્યા પાછળ સિરામિકનું કારખાનું ઘણા સમયથી બંધ હોવાથી આર્થિક મુશ્કેલી આવતા યુવકે આપઘાત કરી લીધો છે. મોરબીમાં અંદાજે 2500 કારખાનાં છે તેમાંથી કેટલાંક કારખાનાં નહીં નફો, નહીં નુકસાનમાં ચાલે છે તો કેટલાંક ખોટમાં છે. જ્યારે 150થી વધુ કારખાનાનાં તો કાયમ માટે પાટિયાં પડી ગયાં છે.
તમને લાગતું હશે કે તેજી અને મંદી તો કોઈ પણ સેક્ટરમાં ચાલતી જ રહે છે.
પરંતુ ચિંતાનો વિષય એ છે કે અગાઉ મોરબીએ ક્યારેય 3 મહિનાથી વધુ મંદી નથી જોઈ જ્યારે અત્યારે છેલ્લા દોઢ વર્ષથી મોરબી મંદીમાં સપડાયેલું છે.
સિરામિક ઉદ્યોગની મહામંદી પાછળનાં કારણો અને સ્થિતિ જાણવા તથા મંદી દૂર કરવાના ઉપાયો અંગે જાણવા મોરબીના સિરામિક ઉદ્યોગનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.
ચીને પોતાની કપટ નીતિ અપનાવી બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનને કંટ્રોલમાં કરી લીધા છે તે વાત હવે સૌ કોઈ જાણે છે. પરંતુ એન્ટિ ડમ્પિગ ડ્યૂટીથી બચવા ચીને નેપાળ, આફ્રિકા, પાકિસ્તાન,બાંગ્લાદેશ,તુર્કી અને ઈરાનમાં સિરામિક કારખાનાં શરૂ કર્યાં છે. આમ ચીને ચારેય બાજુથી મોરબીના સિરામિક ઉદ્યોગને ઘેરી લીધો છે. જો કે એક્સપર્ટ આ મંદીમાંથી ઊગરવા એક માટે મહિનાના વેકેશનને જ ઉપાય માની રહ્યા છે.
આ અંગે જાણવા અમે સૌથી પહેલા મોરબી સિરામિક એસોસિયેશન (વોલ ટાઇલ્સ)ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાને મળવા પહોંચ્યા.
મંદીની કહાની કોરોના પહેલાં શરૂ થઈ હતી, અંદાજે છેલ્લા દોઢ-બે વર્ષથી મોરબીમાં મંદીનો માહોલ છે અને 6 મહિનાથી પુષ્કળ મંદી છે. મંદીની અસલી કહાની કોરોના પહેલાંથી શરૂ થઈ હતી. કોરોનાના થોડા મહિના પહેલાંથી જ મંદી શરૂ થઈ ગઈ હતી. પરંતુ કોરોના સમયે પ્રોડક્શન બંધ થયું અને લોકડાઉન ખૂલ્યા બાદ અચાનક માંગ વધી અને ઉદ્યોગ ખૂબ સારો રહ્યો. જો કે, થોડા સમય પછી ફરીથી મંદીએ સિરામિક ઉદ્યોગમાં પગપેસારો કર્યો.
મંદી પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, હાલની મંદી પાછળ ઓવર પ્રોડ્ક્શન અને વૈશ્વિક સ્તરે યુદ્ધની હાલત જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. હાલ કન્ટેનરના ભાડામાં બે ગણાથી વધારે વધારો થતા નિકાસમાં તકલીફ પડી રહી છે. આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી દુબઈ સહિતના કેટલાક દેશોમાં એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાડવામાં આવી રહી છે. જેના લીધે નિકાસ પણ ઘટી ગઈ છે.
પડતર એક સ્તરથી નીચી લાવવી હવે અશક્ય,જ્યારે ડીઝલમાં ભાવવધારો થયો છે. આ ઉપરાંત ટાઈલ્સ બનાવવા પાછળ પુષ્કળ પ્રમાણમાં નેચરલ ગેસનો ઉપયોગ થાય છે અને તેના ભાવમાં સતત ભાવવધારો થતો રહે છે. મજૂરોને ચૂકવવામાં આવતી મજૂરી પણ વધી છે. આ રીતે અમારી પડતર પણ હાલ કરતાં નીચી લાવવી ખૂબ મોટો પડકાર છે.
પહેલાં આપણે નેપાળને માલ આપતા, હવે નેપાળ આપણને આપે છે.
અગાઉ નેપાળમાં આપણી ટાઇલ્સ પુષ્કળ પ્રમાણમાં જતી હતી. પરંતુ ચીને નેપાળમાં પણ પોતાનાં કારખાનાં નાંખ્યાં છે. તેથી આપણો માલ તો હવે નેપાળમાં નથી જતો ઉપરથી નેપાળ આપણા કેટલાક રાજ્યોમાં વેપાર કરી રહ્યું છે. જેથી માંગ ઘટી છે.
કામ ચાલુ રાખવા ઉદ્યોગકારો વચ્ચે કટ્ટર હરીફાઈ,’મંદીના માહોલમાં પોતાનું કામ ચાલુ રાખવા ઉદ્યોગકારો સ્પર્ધા કરી રહ્યા છે. જેથી વેચાણ ભાવ ખૂબ ઘટ્યા છે. નફાનું માર્જિન પણ ખૂબ ઘટી ગયું છે. મોટાભાગનાં કારખાના તો હાલ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ચાલે છે. કારણ કે માણસોનો પગાર થાય છે અને બેંકના હપ્તા ભરાય છે. આ પરિસ્થિતિ સામે ન ટકી શક્યા તેવા 150થી વધુ કારખાનાં કાયમ માટે બંધ થઈ ગયાં છે. આ લોકોને કારખાના બંધ કરી ટ્રેડિંગના ધંધા તરફ વળવાની ફરજ પડી છે.
સતત બદલાતી ટેક્નોલોજી પણ મોટો પડકાર,’મોટા ભાગે ટેક્નોલોજી દરેક ઉદ્યોગ માટે એક સકારાત્મક પાસું હોય છે. પરંતુ સતત બદલાતી ટેક્નોલોજી સિરામિક ઉદ્યોગના નાના પ્લેયર્સ માટે એક ચેલેન્જ બનતી જાય છે. સિરામિકમાં દર વર્ષે ટેક્નોલોજી બદલાય છે અને તેને લાગુ કરવા મોટા બજેટની જરૂર પડતી હોય છે. નાનાં કારખાનાને દર વર્ષે કે બે વર્ષે આ પોસાય તેમ નથી. જો તેઓ અપડેટ ન થાય તો તેમની પડતર ન ઘટે, આમ તેમને બન્ને બાજુથી માર પડતો હોય છે. મશીનરી બદલાયા બાદ જૂની મશીનરી વેચીએ ત્યારે તેના ભાવ 10% થી પણ ઓછા મળે છે.’
‘પ્રોડ્કશન બમણું કરવા 100 કરોડ વપરાય છે’
‘મોરબીમાં કારખાના શરૂ કરવાની કોસ્ટમાં પણ ખૂબ વધારો થયો છે. અગાઉ જે 20 કરોડમાં તૈયાર થતું કારખાનું જેટલું પ્રોડક્શન કરતું હતું તેનાથી બમણું પ્રોડક્શન કાઢતું કારખાનું બનાવવામાં 100 કરોડ રૂપિયા લાગે છે. જે હકીકતમાં 40 કરોડ લાગવા જોઈએ. આમ પાંચ ગણી કિંમત નાંખીએ ત્યારે પણ પ્રોડ્ક્શન તો માત્ર બમણું જ થાય છે.’
આ પછી અમે સિરામિક એસોસિયેશન(ફ્લોર ટાઈલ્સ )ના પ્રમુખ વિનોદ ભાડજા સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે, એકસાથે સિરામિકની દરેક પ્રોડક્ટમાં મંદી હોય તેવું અગાઉ ક્યારેય નથી બન્યું. મારા મતે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે.
‘આ મંદીમાં કેમ ટકવું એ જ મોટો પડકાર’
,’એવું નથી કે માત્ર નાના ઉદ્યોગને જ મંદી છે. મોટા ઉદ્યોગમાં પ્રોડ્ક્શન વધારે હોય છે અને તેમની કેપિટલ પણ વધારે રોકાયેલી હોય છે. એટલે આમ જોવા જઈએ તો ભલે દેખાતું ન હોય પરંતુ મોટા ઉદ્યોગ પણ હાલની પરિસ્થિતિમાં તણાવમાં હોય તેવું લાગે છે. બીજી તરફ નાના ઉદ્યોગોએ કોસ્ટિંગમાં મોટા ઉદ્યોગ સામે ટકી રહેવું એ એક મોટી ચેલેન્જ છે.આ પરિસ્થિતમાં દરેક ઉદ્યોગકાર કેવી રીતે ટકી શકાય એ જ દુવિધામાં છે.
આ મંદીને દૂર કરવા માટેનાં પગલાં અંગે વાત કરતા વિનોદભાઈ કહે છે કે,
હાલ સિરામિકમાં ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો ઈન બેલેન્સ થઈ ગયો છે. મારા મત મુજબ આ મંદીમાંથી બચવા મોરબીના સિરામિક ઉદ્યોગોએ એકસાથે 1 મહિનાના વેકેશનની જરૂર છે. આ ઉપરાંત અમારી પડતરમાં 35% હિસ્સો ગેસનો હોય છે. ગુજરાત સરકાર હાલની પરિસ્થિતિમાં ગેસનો ભાવ ઓછો કરી આપે તો આ મંદીમાંથી બહાર આવવામાં અમને મદદ મળી શકે તેમ છે.
‘મોરબી ક્યારેય મજૂરોનો પગાર નથી અટકાવતું’
,મોરબીમાં કામ કરતા મજૂરો અંગે વાત કરતા વિનોદ ભાડજા કહે છે કે મોરબી સિરામિક ઉદ્યોગ એક પરિવાર છે. અહીં કામ કરતા મજૂરોનો પગાર ક્યારેય રોકવામાં નથી આવતો. કદાચ પ્રોડ્ક્શન બંધ હોય તો પણ અમે મજૂરોનો પગાર ચાલુ જ રાખીએ છીએ.
‘આ એક સ્પીડબ્રેકર છે, એનાથી અમારી સફર અટકશે નહીં’,જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગના ભવિષ્ય અંગે પૂછ્યું તો વિનોદભાઈએ કહ્યું કે માનીએ કે હાલમાં ભયંકર મંદી ચાલી રહી છે. પરંતુ આ મંદી કાયમ માટે ચાલશે એવું હું નથી માનતો. અમે બધા ભેગા મળીને આગામી 10 થી 15 વર્ષમાં મોરબીને દુનિયામાં સિરામિક પ્રોડ્કશનમાં બીજા નંબરને બદલે પહેલાં નંબર પર લઈ જવા માંગીએ છીએ. આમ આ મંદી સ્પીડ બ્રેકર સમાન છે તેનાથી અમારી સફર ધીમી ચોક્કસ પડી છે પરંતુ તેને રોકાવા નહીં દઈએ.
આ મંદીમાં કારખાના બંધ કરનારા ઉદ્યોગકારો સાથે પણ વાતચીત કરી. કેટલાકે નામ છુપાવીને તો કેટલાકે ચહેરો ન બતાવવાની શરતે અમારી સમક્ષ વ્યથા ઠાલવી હતી.
‘મોટા કારખાના સામે હરીફાઈમાં ટકવું અઘરું હતું’
,આ મંદીમાં પોતાનું શ્રીજી સિરામિક નામથી વોલટાઈલ્સનું કારખાનું બંધ કરનારા હરીભાઈ પટેલ જણાવે છે કે અમારું કારખાનું નાનું હતું. આ પરિસ્થિતિમાં મોટા કારખાના સામે ભાવની હરીફાઈમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કન્ટેનરના ભાવ ખૂબ વધી ગયા છે. જેને લીધે પણ પડતર વધી હતી. છેલ્લાં બે વર્ષમાં અમારા ઉદ્યોગમાં નવી ટેક્નોલોજી આવી હતી તેને વસાવવી એ અમને પોસાય તેમ ન હતું તેથી કારખાનું બંધ કરવાની ફરજ પડી હતી.
‘સરકારે ગેસના ભાવ ઘટાડવા જોઈએ’,’સરકાર નવા કારખાનાઓને 15% વીજ સબસીડી આપે છે. જૂના કારખાનાની સબસીડી પૂરી થઈ ગઈ હોવાથી તેને એક્સટેન્ડ કરવી જોઈએ, જેથી નાના કારખાના પણ ટકી શકે. આ ઉપરાંત સરકારે સિરામિક ઉદ્યોગને મંદીમાથી બહાર લાવવા ગેસના ભાવ ઓછા કરવા જોઈએ.’
‘ચીન સિરામિકમાં મોરબીનું દુશ્મન બન્યું છે’,હરીભાઈ પટેલ વધુમાં કહે છે કે, અત્યારે આપણું મુખ્ય હરિફ ચીન છે. ચીને આખી દુનિયામાં જ્યાં જ્યાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગતી હતી ત્યાં પોતાના કારખાના નાંખી દીધા છે. જેના લીધે મોરબીની સપ્લાય ખૂબ ઓછો થઈ છે. આમ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન મોરબીનું મોટું દુશ્મન બન્યું છે.
‘મોરબીમાં હવે નાના માણસનું કામ નથી’,
‘અગાઉ ચાર-પાંચ મિત્રો ભેગા મળી થોડા પૈસાનું રોકાણ કરી મોરબીમાં કારખાનું શરૂ કરી શકતા હતા. પરંતુ હવે નાના કારખાનાઓનું ટકવું ખૂબ અઘરું છે એટલે આપણે એવું કહી શકીએ કે મોરબીમાં હવે નાના માણસનું કામ નથી. હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે મોરબીમાં થોડા વર્ષો પછી મોટા મોટા પ્રોડક્શન કરનારા પ્લેયર્સ જ ટકી શકશે.’
કોઈએ કારખાનું વેચી લોન ચૂકવી છે અથવા તો તેઓ ડિફોલ્ટર જાહેર થયા છે.
‘પહેલાં માલિક હતો, મંદીએ મને મજૂર બનાવી દીધો’
,મોરબીના મહેશ પટેલ ચહેરો ન બતાવવાની શરતે આપવીતી વર્ણવી કે, સંબંધીઓ સાથે મળી ચાર પાંચ વર્ષ પહેલા કારખાનું શરૂ કર્યું હતું. જે હવે બંધ છે. પાંચ-છ વર્ષ પહેલા હું ઘૂટું રોડ પર આવેલા કારખાનામાં ભાગીદાર થયો હતો. અમે એક જમીન વેચી હતી, જેના પૈસા અમે આ ભાગીદારીમાં લગાવ્યા હતા.જો કે, મંદીને કારણે અમને કંઈ વળતર મળતું નહીં, જેથી અમે ભાગીદારીમાંથી છૂટા થયા. તે સમયે લેવાના નીકળતા પૈસા પણ અમને નથી મળ્યા. આમ મારે તો જમીન પણ ગઈ અને કારખાનામાં ભાગ પણ ન રહ્યો. અમારા સવા કરોડ રૂપિયા મંદીના કારણે શૂન્ય થઈ ગયા. હવે અમે એક બે નવા ટ્રક ખરીદ્યા છે અને કારખાનામાં માટી નાંખવાનું કામ કરીએ છીએ. એક સમયે હું માલિક હતો પરંતુ મંદીએ મને મજૂર બનાવી દીધો. મારા એકની નહીં પરંતુ અનેકની પરિસ્થિતિ આવી છે. જો કે, કોઈ બોલવા તૈયાર નથી. સમાજમાં ટકી રહેવા અને દીકરા-દીકરીઓના સંબંધ કરવા લોકો કારખાનું કરતા હોય છે. પરંતુ ટકવું ખૂબ અઘરું બને છે.
મોરબીના એક સજ્જને અમને નામ અને ચહેરો ન બતાવવાની શરતે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, જમીનનો કટકો વેચીને કારખાનામાં ભાગ કર્યો હતો. પરંતુ મંદી આવ્યા બાદ કારખાનામાં કંઈ વળ્યું ન હતું. જો નીકળવાની વાત કરીએ તો ભાગ છૂટા કરવાના ઉપરથી રૂપિયા ભરવા પડે તેવી પરિસ્થિતિ છે.
‘મોરબીના ઉદ્યોગકારીઓની ક્રેડિટ 90%ની કેપ પર પહોંચી’
,મોરબીમાં કારખાનું ચલાવનારા ઉદ્યોગકારોની ખરી આર્થિક હાલત અંગે જાણવા અમે મોરબીની મુખ્ય બેંકોની પણ મુલાકાત કરી હતી. જો કે બેંકના કોઈ મેનેજર કે કર્મચારી કેમેરા સામે કંઈ બોલવા તૈયાર ન થયા. પરંતુ સૌરાષ્ટ્રની એક સ્થાનિક બેંકના કર્મચારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, લોન લેનારાઓમાંથી 35%થી વધુ ઉદ્યોગકારોની ક્રેડિટ લિમિટ 90%ની કેપ પર છે અથવા તેમણે કારખાનું વેચી લોન ચૂકવી છે અથવા તો તેઓ ડિફોલ્ટર જાહેર થયા છે. એટલે કે દર ત્રણમાંથી એકની પરિસ્થિતિ કપરી છે તેવું કહી શકાય.
જ્યારે સિરામિક કારખાનામાં લેબ ડિપાર્ટમેન્ટ સંભાળનાર કેવિન પટેલ જણાવે છે કે, કોઈ પણ મંદી હોય અથવા અન્ય કારણોસર કારખાનું બંધ હોય પરંતુ વર્કર્સનો પગાર કાયમ ચાલુ રહે છે, કોઈને કાઢવામાં નથી આવતા, મોરબીની આ બાબત ખૂબ સારી છે. ગ્લેઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા દર્શનભાઈ કહે છે કે સિરામિકમાં વર્કર્સને પગાર બાબતે ક્યારેય સમસ્યા નથી હોતી.કંપની ભલે બંધ હોય અમારો પગાર ચાલું જ રહે છે.
મોરબીમાં આ ચાર પ્રકારની ટાઈલ્સ બને છે,વોલ ટાઈલ્સ: દિવાલ પર લગાવાતી ટાઈલ્સ,વિટ્રીફાઇડ: ઘર કે ઓફિસની ફ્લોર પર લગાવાતી ટાઈલ્સ,પાર્કિંગ ટાઈલ્સ: કમ્પાઉન્ડમાં લગાવવા વપરાતી ટાઈલ્સ,સેનિરિટી: બાથરૂમમાં વપરાતી ટાઈલ્સ સહિત અન્ય પ્રોડ્કટ્સ
છેલ્લા કેટલાક સમયથી વોલ ટાઈલ્સની જગ્યા વિટ્રીફાઇ્ડ ટાઈલ્સના જ એક પ્રકાર GVTએ લઈ લીધી છે.
એટલે વોલ ટાઈલ્સના ઉદ્યોગને તો પડ્યા પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિ છે
જો કે, આ બધા વચ્ચે દરેક ઉદ્યોગે મોરબી પાસેથી શીખવા જેવી વાત એ છે કે, પરિસ્થિતિ ગમે તેવી કપરી હોય મોરબી તેના મજૂરોને સાચવી જાણે છે. અહીં કામ કરતા અનેક વર્કર સાથે વાત કર્યા પછી અમને જાણવા મળ્યું કે,મોરબીમાં ઘણાં સમયથી મંદી છે કેટલાય કારખાનાના પ્રોડક્શન બંધ છે. પરંતુ અહીં ક્યારેય કોઈ મજૂરને સામેથી છૂટા કરવામાં નથી આવતા. ગમે તેવી મંદી હોય મજૂરોને સાચવી લેવામાં આવે છે.
અનેક કારખાના અને ઉદ્યોગકારોની મુલાકાત પછી અને એક્સપર્ટ સાથેની વાતચીત પછી લાગ્યું કે મોરબીને મંદીમાંથી બહાર લાવવા માટે પ્રોડક્શન થોડા સમય માટે ઓછું કરવા માટે એક વેકેશનની જરૂર છે. આ ઉપરાંત સરકાર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીનો પ્રશ્ન હલ કરી ગેસનો ભાવ ઘટાડીને મોરબીને મંદીમાંથી બહાર લાવી શકે તેમ છે. સૌથી જરૂરી વાત કે ચીન આપણું જ રો-મટિરિયલ વાપરીને આપણા જ સિરામિક ઉદ્યોગને બરબાદ કરી રહ્યું છે, જેને રોકવાની જરૂર છે.
