પાકિસ્તાનને ભારતની કડક ચેતવણી: PoK ખાલી કરો, નહિંતર વાતચીત નહીં થાય
વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે – જો પાકિસ્તાન તરફથી PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ખાલી નહીં કરવામાં આવે, તો ભારત તેની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે ભારત કોઈ પણ ત્રીજા દેશની દખલગીરીને સહન નહીં કરે.
આતંકવાદ સામે ભારતનો મજબૂત સંકલ્પ
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે આતંકવાદ સામે લડવા માટે વિશ્વ સમક્ષ આપણો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છીએ. સરહદ પારના આતંકવાદ માટે જવાબદાર તત્વોને જવાબદારીથી દૂર રાખી શકાય નહીં. આતંકવાદ અને શાંતિની વાતચીત સાથે ચાલી શકે નહીં.”
તેમણે કહ્યું કે, પાકિસ્તાન છેલ્લા 40 વર્ષથી આતંકવાદનો આધાર આપીને ભારત સામે દુશ્મનાવટના પગલાં લઈ રહ્યો છે. આવી પ્રવૃત્તિઓને હવે બરદાશ્ત નહીં કરવામાં આવે.
“લોહી અને પાણી સાથે નહીં વહે”
ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા સંદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સિંધુ જળ સંધિ હાલ સ્થગિત રહેશે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ નહીં કરે. વડાપ્રધાન મોદીના શબ્દોમાં કહીએ તો, “લોહી અને પાણી સાથે વહી શકતા નથી“.
રાજકીય મિશન: દુનિયાને સત્ય જણાવવાનો પ્રયાસ
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રચાયા છે. ત્રણ પ્રતિનિધિમંડળો તો પહેલેથી જ વિદેશ પ્રવાસે છે. આ એક રાજકીય મિશન છે, જેના માધ્યમથી આતંકવાદ વિરુદ્ધ ભારતનો સંકલ્પ દુનિયાની સામે રજૂ કરવો છે. ભારત ઈચ્છે છે કે આખું વિશ્વ આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકજૂટ થાય.
