POCSO કેસમાં બ્રિજભૂષણ શરણસિંહને મોટી રાહત, કોર્ટનો નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહને મોટી રાહત આપી છે. તેમની સામે ચાલી રહેલા POCSO (બાળકોના યૌન શોષણથી સુરક્ષા) કાયદા હેઠળનો કેસ બંધ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી બ્રિજભૂષણને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે, કારણ કે આ કેસ ઘણાં સમયથી ચાલી રહ્યો હતો અને તેઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કેસમાં એક સગીર પહેલવાને બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. પરંતુ, કેસની સુનાવણી દરમિયાન સિદ્ધ થયું કે આ આરોપ ભાવનાત્મક દબાણ અને પ્રભાવ હેઠળ મૂકાયો હતો.
કોર્ટમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે ગુસ્સામાં આવીને આરોપ લગાવ્યો હતો અને હવે તેને પોલીસ તપાસથી કોઈ ફરિયાદ નથી. પીડિતાના પિતાએ પણ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે ખોટી ફરિયાદ નોંધાવી હતી.
આ આધારે, દિલ્હી પોલીસે 15 જૂન, 2023ના રોજ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કેસ બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પાટિયાલા હાઉસ કોર્ટે હવે આ રિપોર્ટ સ્વીકારીને બ્રિજભૂષણ શરણસિંહને નિર્દોષ જાહેર કર્યા છે.
આ નિર્ણય બાદ, દેશમાં આ કેસને લઈને ચાલતી ચર્ચા અને રાજકીય ગરમાવો પણ ટાઢો પડશે, તેવી શક્યતા છે.
