Aarti Machhi, Bharuch: વર્ષ 2012માં દિલ્હી નિર્ભયા કાંડ બાદ મહિલાઓ પર થતા અત્યાચાર સહિતની બાબતોને ધ્યાન પર રાખીને સરકારે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. દરેક જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર ઊભા કરાયા છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં એકમાત્ર મહિલાઓ માટે કાર્ય કરતું સખી વન સ્ટોપ સેન્ટર સિવિલ હોસ્પિટલ નજીક આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે, વર્ષ 2019 ઓગસ્ટ મહિનાથી કાર્યરત કરવામાં આવ્યું છે.જે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શારીરિક અને માનસિક પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સખી વન સેન્ટરનું સંચાલન
સખી વન સેન્ટરનું સંચાલન શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સખી વન સેન્ટરનો હાલ 13 કર્મચારીઓ ફરજ બજાવે છે.તેમાં કાશ્મીરાબેન સંવટ મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે બજાવે છે. પ્રિતેશ વસાવા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં વુમન હેલ્પલાઇન, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજિક સમસ્યાઓમાં પરામર્શ (કાઉન્સેલિંગ), આશ્રય સહિતની સહાય આપવામાં આવે છે.
દહેજ કેસ, ઘરેલુ હિંસાના કેસ, એસિડ એટેક, ભાવનાત્મક હિંસા, માનસિક હિંસા, 18 વર્ષ સુધીની છોકરીઓની પૉસ્કો એક્ટ સહિતના કેસ લેવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શારીરિક અને માનસિક પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેને આરોગ્ય લક્ષી સેવા હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરનાં બહેનો પ્રચાર પસારમાં જાય છે
કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં એક એડવોકેટની નિયુક્તિ કરવામાં આવે છે. મહિલા પોલીસ સ્ટેશન સહિત પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ હોય તેમાં ઘણી વાર સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાને રિફર કરવામાં આવે છે. પોસ્કો એક્ટના કેસમાં સખીવન સ્ટોપ સેન્ટરની મદદ લેવામાં આવે છે. સખીવન સ્ટોપ સેન્સરમાં કેસ નોંધ્યા બાદ તેઓની ટીમ રૂબરૂ મુલાકાત પણ લે છે અને જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન આવે ત્યાં સુધી તેનું ફોલોઅપ લેવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટરની મહિલાઓ પ્રચાર પસાર કરવા માટે પણ જાય છે.
અહીં આવતી મહિલાઓની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે
ફેમિલી કોર્ટમાં પણ સખી વન સેન્ટર મિટિશિયન સેન્ટરમાં કાઉન્સેલિંગ માટે જાય છે. સખીવન સેન્ટર ખાતે આવતી મહિલાઓની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે. સેન્ટરમાં પીડિત મહિલાઓને પાંચ દિવસ સુધી આશ્રય આપવામાં આવે છે. માનસિક રીતે સંતુલન ગુમાવેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ગત મહિને આપઘાત કરવા ઈચ્છતી મહિલાઓનું કાઉન્સેલિંગ કરી જીવ બચવવામાં આવ્યો હતો. જો કોઈ મહિલાને શારીરિક કે માનસિક તકલીફ હોય તો તે ફોન નં 02642-267602 પર સંપર્ક કરી શકે છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા વર્ષ 2022માં નોંધાયેલ કેસની સંખ્યા
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છેલ્લા વર્ષ 2022માં કુલ 287 કેસ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 287 લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. તેમાં 18 વર્ષથી નાની ઉંમરના કેસની સંખ્યા 12 છે. ઘરેલુ હિંસાના 211 કેસ નોંધાયા હતા. આ પૈકી 42 લોકોને તબીબી સહાય આપવામાં આવી હતી. 16 લોકોને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 25 લોકોનું કુટુંબ સાથે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલ કેસની સંખ્યા
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 655 કેસ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 655 લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. તેમાં 18 વર્ષથી નાની ઉંમરના કેસની સંખ્યા 26 છે. ઘરેલુ હિંસાના 406 કેસ નોંધાયા હતા. આ પૈકી 122 લોકોને તબીબી સહાય આપવામાં આવી હતી. 57 લોકોને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 655 પૈકી 49 લોકોને પોલીસ સેવા આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે 160 લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો અને 91 લોકોનું કુટુંબ સાથે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર