રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ તેમજ જામનગર જિલ્લામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.
વધુમાં, જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં ૭ ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં ૫ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૮ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૨૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ તેમજ ૯૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના ૮૦ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૦ તાલુકામાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૨ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.