રાજ્ય વહીવટી તંત્ર અને સેન્ટ્રલ એજન્સીઓએ સાથે મળીને અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા
કોસ્ટ ગાર્ડના જવાનોએ દ્વારકાના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયુ કરી ૧૩ ખલાસીઓને સલામત સ્થળે ખસેડ્યા
ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત ત્રણ દિવસથી ખડેપગે છે. રાજ્યમાં આવેલી આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે હજુ પણ રાહત-બચાવની ટીમો તૈનાત છે. મુખ્યમંત્રીશ્રી ઉપરાંત મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તેમજ રાહત કમિશનરશ્રી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીશ્રીઓ તેમજ પ્રભારી સચિવશ્રીઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. કેટલાક જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રીઓ જમીનીસ્તરે થઇ રહેલી રાહત-બચાવ કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત પાણી ભરાતા સંપર્ક વિહોણા બનેલા ગામડાઓમાં પણ ટ્રેક્ટર જેવા સાધનોના માધ્યમથી પહોંચી મંત્રીશ્રીએ ગ્રામજનોને સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપી જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી.
રાજ્યમાં આજે થયેલી રાહત બચાવ કામગીરીના મુખ્ય અંશો:
• વડોદરામાં જિલ્લામાં રેસ્ક્યુ કામગીરીને ઝડપી બનાવવા આજે આર્મીની વધુ ત્રણ કોલમ, NDRFની એક ટીમ તેમજ SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે. વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, NDRFની ૪ ટીમ તેમજ SDRFની ૫ ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી હતી.
• વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. ૧૨૦૦થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.
• વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી સગર્ભા મહિલા અને તેના પતિની વ્હારે NDRF અને ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. સગર્ભા મહિલા અને તેના પતિને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.
• પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીના અથાગ પરિશ્રમના પરિણામે નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
• પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલા બિલેશ્વર અને ખંભાળા ગામ વચ્ચે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક સગર્ભા મહિલાને આરોગ્ય કેન્દ્ર ખાતે ઝડપથી પહોંચાડવા માટે આડશ બનેલા વૃક્ષને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાસેડીને સગર્ભા મહિલાને આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી હતી.
• દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર-૧માં પાણીના ભરાવા વચ્ચે ફસાયેલા ૫૦ જેટલા નાગરિકોને રાજ્ય વહીવટી તંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસોથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ જામરાવલ નગરપાલિકામાં પણ તંત્ર દ્વારા ૧૩ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી આશય આપવામાં આવ્યો છે.
• આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા ૨૫ જેટલા નાગરિકોને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
• દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે ફિશિંગ બોટ બંધ થઇ જતા ૧૩ જેટલા માછીમારો ઉચાલાતા મોજા વચ્ચે દરિયામાં ફસાયા હતા. વહીવટી તંત્ર દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરતા દિલધડક રેસ્ક્યુ બાદ આ તમામ માછીમારોને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા.
• જામનગર જિલ્લામાં અતિભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે તંત્રને સહયોગ આપવા માટે ૩૦ જેટલી સંસ્થાઓ જોડાઈ છે. તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓના સંયુક્ત અભિગમથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી અંદાજે ૭૦૦૦ જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
• જામનગર જિલ્લામાં આજે વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૨૪ જેટલા લોકોનું SDRFની ટીમે સફળ રેસ્ક્યુ કર્યુ હતું. હાલ જામનગરમાં આર્મીની બે ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી છે. જ્યારે, રાજકોટથી આર્મીની વધુ એક ટીમ અને NDRFની એક ટીમની મદદ લેવામાં આવી છે.
• બોટાદ જિલ્લા પશુપાલન અને પશુ ચિકિત્સા અધિકારીએ રાણપુર મહાજન પાંજરાપોળની મુલાકાત લઇ પશુઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાણપુર મહાજન પાંજરાપોળમાં આશરે 2000 જેટલા પશુઓનો નિભાવ થઈ રહ્યો છે.
• વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પાસે સુભાષનગરમાં રહેતા પરિવારોના ઘરમાં પાણી ભરાઈ જતા નાગરીકોને મધ્યવર્તી શાળામાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. શ્રમિક પરિવારોની સુરક્ષા અને સલામતીની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રએ ઉઠાવી છે.
• જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહ વચ્ચે ખેતર વિસ્તરમાં ફસાયેલા ૨૮ બાળકો સહિત આશરે ૮૩ જેટલા લોકોનું SDRFની ટીમે દીલધક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા.
• નર્મદા જિલ્લામાં હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી અને અંતરિયાળ વિસ્તારની કુલ ૦૮ જેટલી સગર્ભા મહિલાઓને તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. દેડિયાપાડા તાલુકાની એક મહિલાને આવી કપરી પરિસ્થિતિમાં પણ પ્રસુતિ કરાવી આરોગ્ય કર્મીઓ દ્વારા ફરજનિષ્ઠા દર્શાવવામાં આવી હતી.
• ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧૨ જેટલી ટીમ બનાવી સર્વેલન્સ કામગીરી હાથ ધરીવામાં આવી છે. સાથે જ આરોગ્ય શાખાની મેડિકલ ટીમ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭ જેટલી ટીમ દ્વારા ૩૭૪ જેટલા લોકોની તપાસ કરીને સ્થળ પર જ સારવાર અપાઈ હતી.
• વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ છે. પૂર સમયે નીચાણવાળા વિસ્તારમાં ૨૦૫ પશુઓને સ્થળાંતરિત કરાયા હતા.
• દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ૧૬ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે, ૫૪૮ જેટલા નાગરિકોને આશ્રયસ્થાન ખાતે સહી સલામત ખસેડવામાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ૨૦૬૫ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.