વડોદરામાંથી પૂરના પાણી ઓસરતા 13 મૃતદેહ મળ્યા, ત્રણ દિવસથી કોઈ અંતિમક્રિયા થઈ નથી
વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર . વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ . પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે. તો બીજી બાજુ શહેરમાં ત્રણ દિવસથી કોઈપણ મૃતદેહની અંતિમક્રિયા થઈ નથી . આજે સ્મશાનમાં મૃતદેહની કતાર લાગી શકે છે.
આજે મળતી માહિતી પ્રમાણે, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વિશ્વામિત્રીની સપાટી ઘટીને 26 ફૂટે પહોંચી છે. ગઈકાલે નદીની સપાટી 32.50 ફૂટ હતી. આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર થઈ છે.
ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે વડોદરા શહેરમાં પાણીનો મોટાપાયે ભરાવો થયો છે. આવી સ્થિતિનો ક્યાસ કાઢવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા. આ ઉપરાંત વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે રૂ. 1200 કરોડ ફાળવવાની ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા 118 ફીડર બંધ થઈ ગયા હતા.
જે પૈકી 22 ફીડર ગુરુવાર મોડી સાંજ સુધીમાં શરૂ થઈ ગયા છે. બાકીના 12 ફીડરમાં હજુ પાણી ભરાયું છે. તેને પાણી ઓસરતાં તરત શરૂ કરી દેવાશે. 150 ટ્રાન્સફોર્મર મોડી રાત સુધીમાં કાર્યરત થઈ ગયા છે. આ કામગીરી માટે 40 ટીમ કાર્યરત છે, વધારાની 10 ટીમ પણ કામે લગાડવામાં આવી છે. પાણી વિતરણ વ્યવસ્થાઓ પૈકી 34 શરૂ થઈ ગઈ છે. 441 એમએલડી પાણીનું સુપર ક્લોરીનેશન કરી વિતરણ કરાયું છે. શહેરના 10 ટકા વિસ્તારમાં 40 જેટલા ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.