ધોરણ 9-11 માટે નવી પરીક્ષા પદ્ધતિ જાહેર : ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરી બાદ ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામા આવ્યો છે. જેમાં હવે ધોરણ 10 અને 12ની જેમ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. ઉપરાંત તમામ પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 9 અને 11માં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે, ત્યારે આ નવી પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને ધોરણ 10 અને 12માં વધુ વિદ્યાર્થીઓ આવશે. આ નવી પદ્ધતિ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ પડશે.
સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે અને હવે સ્કૂલોની પ્રથમ પરીક્ષા આવનાર છે. ત્યારે બોર્ડ દ્વારા મોડે મોડે પણ અંતે ધોરણ9-11ની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં પ્રશ્નપત્ર-પરીક્ષા પદ્ધતિના ફેરફારને લઈને તમામ ડીઈઓને પરિપત્ર કરવામા આવ્યો છે. જે મુજબ ધોરણ 9 અને 11ની પરીક્ષામાં હવે 80 ટકાને બદલે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે ,જ્યારે હેતુલક્ષી પ્રશનો 20 ટકાને બદલે 30 ટકા રહેશે. ઉપરાંત તમામ વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે.
સરકારે ગત વર્ષે ધોરણ 10 અને 12માં નવી પરીક્ષા પદ્ધતિ દાખલ કરીને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નોની પેટર્ન દાખલ કરી હતી. આમ ધોરણ 9થી 12માં પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા એટલે કે કોમન પેટર્ન રહે તે માટે ધોરણ 9 અને 11 ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામા આવ્યો છે. ધોરણ 11ના તમામ પ્રવાહોમાં આ નવી પેટર્ન લાગૂ પડશે તેમજ સંસ્કૃત પ્રથમ અને મધ્યમમાં પણ આ નવી પેટર્ન રહેશે. આ સુધારેલી પરીક્ષા પદ્ધતિ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ લાગૂ ગણાશે.
બોર્ડ દ્વારા ધોરણ 9માં આ નવી પેટર્ન મુજબ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી પ્રથમ અને દ્વિતિય ભાષા તેમજ અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષા તથા હિન્દી પ્રથમ અને દ્વિતિય ભાષા તથા સંસ્કૃતના પ્રશ્નપત્ર પરિરૂપ તથા ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તૈયાર કરી મોકલી આપવામા આવ્યા છે. જે મુજબ હવે પછીની સ્કૂલોની પરીક્ષા લેવાશે.
જ્યારે ધોરણ 11માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજય વ્યવસ્થા, નામાના મૂળતત્વો, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, ગણિત તથા ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સહિતના વિષયોના નમૂનાના નવા પ્રશ્નપત્રો આ નવી પેર્ટન મુજબ તૈયાર કરાયા છે. મહત્વનું છે કે આ નવી પરીક્ષા પદ્ધતિને લીધે ધોરણ 9ના 7 લાખથી વધુ અને ધોરણ 11નાં પાચ લાખથી વધુ સહિત 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.