Search
Close this search box.

ચાર્ટરની રાહ જોઈને કંટાળેલા ગુજરાતીઓએ દુબઈમાંથી જતાં રહેવાનું શરૂં કર્યું

ચાર્ટરની રાહ જોઈને કંટાળેલા ગુજરાતીઓએ દુબઈમાંથી જતાં રહેવાનું શરૂં કર્યું

ચાર્ટરની રાહ જોઈને કંટાળેલા ગુજરાતીઓએ દુબઈમાંથી જતાં રહેવાનું શરૂં કર્યું : એજન્ટોના ખોટા વાયદા પર વિશ્વાસ કરીને છ-સાત મહિનાથી દુબઈમાં બેઠેલા ગુજરાતીઓની આખરે ધીરજ ખૂટી, એજન્ટોએ પણ હવે હાથ અદ્ધર કરી દીધાં

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા અને છેલ્લા છ-સાત મહિનાથી દુબઈમાં ચાર્ટરની રાહ જોઈને બેસી રહેલા ગુજરાતીઓની ધીરજ હવે ખૂટી રહી છે.

કલોલના અમુક નામચીન એજન્ટોએ પોતાના પેસેન્જર્સને 30 ઓગસ્ટની ડેડલાઈન આપતા એવો વાયદો કર્યો હતો કે જો આ તારીખ સુધીમાં ચાર્ટર નહીં આવે તો તમામ લોકોને ઉઝબેકિસ્તાન લઈ જઈને તેમને ત્યાંથી અમેરિકા મોકલવામાં આવશે.

એટલું જ નહીં, આગળ જવાનો મેળ ના પડતાં જો કોઈ પેસેન્જર ફોન પર ઝઘડો કરે તો એજન્ટો કે પછી તેમના ફોલ્ડર હવે સીધી એવી જ વાત કરી રહ્યા છે કે પાછા આવવું હોય તો પાસપોર્ટ લઈ લો અને પોતાની રીતે ઈન્ડિયા પહોંચી જાઓ.

હાલ દુબઈમાં બેઠેલા ઘણા ગુજરાતીઓ વિઝાની વેલિડિટી પૂરી થઈ જતાં એરપોર્ટ પર જતાં પણ ડરી રહ્યા છે, આ લોકોને જંગી પેનલ્ટી પણ ભરવાની આવી છે પરંતુ એજન્ટો હવે તેમને કોઈ જવાબ નથી આપી રહ્યા.

સૂત્રોનું માનીએ તો ઘણા ગુજરાતીઓ પેનલ્ટી ભરી શકે તેમ ના હોવાથી દુબઈનો આઉટપાસ લઈને ઈન્ડિયા પાછા આવી જવાની તૈયારીમાં છે, તેમજ જે લોકો પાછા આવી ચૂક્યા છે તેમની સાથે વાત કરીને પણ ઘણા લોકો ઈન્ડિયા કઈ રીતે રિટર્ન થઈ શકાય તે સમજવા મથી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં સેંકડો ગુજરાતીઓ દુબઈ ઉપરાંત ઉઝબેકિસ્તાનથી પણ પાછા આવ્યા છે.

એજન્ટોએ જૂન 2024 સુધી જે પણ નિકારાગુઆવાળી ચાર્ટર ફ્લાઈટ્સ આ બે દેશોમાંથી જ ઉડાવી હતી, પરંતુ હવે અમેરિકાએ ચાર્ટર ફ્લાઈટને ઓપરેટ કરવી લગભગ અશક્ય બનાવી દેતા આ લાઈનના ભરોસે લોકોના કામ લેનારા એજન્ટો હવે લાંબા ફસાયા છે. પોતાનું જંગી નુક્સાન થતાં હવે એજન્ટોએ પેસેન્જર્સને નોંધારા છોડી દીધા હોય તેમ તેમને પોતાની રીતે પાછા આવવા માટે કહી દીધું છે.

દુબઈમાં અટવાયેલા ગુજરાતીઓએ ભલે હાલ ઈન્ડિયા પાછા આવવાનું શરૂ કરી દીધું હોય પરંતુ સૂત્રોનું માનીએ તો હાલની તારીખે પણ બે હજાર જેટલા ગુજરાતીઓ દુબઈમાં ચાર્ટરની રાહ જોતાં બેઠાં છે જેમાં સિંગલ્સ, કપલ્સ અને બાળકો સાથેની ફેમિલીનો પણ સમાવેશ થાય છે.

સેંકડો પેસેન્જર્સ અલગ-અલગ દેશોમાં ફસાતા હવે એજન્ટોનું પણ બજારમાં ફરવું મુશ્કેલ બની ગયું હોય તેમ કલોલના મોટાભાગના એજન્ટો અને તેમના ફોલ્ડરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. કલોલની જે અમુક જગ્યાઓ એજન્ટો માટે મિટિંગ સ્પોટ ગણાતી હતી ત્યાં હાલ કોઈ એજન્ટ જોવા નથી મળતો તેવું પણ સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે.

એવી માહિતી પણ સામે આવી છે પંજાબના અમુક એજન્ટોના ભરોસે ચાર્ટરવાળી લાઈનથી પોતાના પેસેન્જરોને અમેરિકા મોકલવા માટે ગુજરાતના એજન્ટોએ મોટાપાયે કામ હાથમાં લીધા હતા, પરંતુ હવે તેમણે પેસેન્જર્સને દુબઈ પહોંચાડવા અને અત્યારસુધી રાખવા જે ખર્ચો કર્યો છે તે માથે પડ્યા જેવો ઘાટ સર્જાયો છે.

2022ની આસપાસ ચાર્ટર ફ્લાઈટવાળી લાઈન શરૂ થઈ હતી, મોટાભાગે દુબઈથી ઉપડતી આવી ફ્લાઈટ્સમાં ઢગલાબંધ ઈન્ડિયન્સને ઈલીગલી નિકારાગુઆ પહોંચાડવામાં આવતા હતા અને ત્યાંથી તેમને મેક્સિકો રવાના કરી બોર્ડર ક્રોસ કરાવી દેવાતી હતી. જોકે, ડિસેમ્બર 2023માં પહેલીવાર ચાર્ટર ફ્લાઈટ ફ્રાંસમાં પકડાઈ હતી અને ત્યારે આ લાઈનનો ભાંડો ફુટી જતાં એજન્ટોના ગણિત ખોરવાઈ ગયા હતા.

જોકે, ફ્રાંસવાળી ઘટનાના થોડા જ દિવસોમાં પંજાબના એજન્ટોએ નવી લિંક શરૂ કરી દીધી હતી અને ફરી દુબઈ અથવા ઉઝબેકિસ્તાનથી ચાર્ટર ફ્લાઈટ્સની ઉડાઉડ શરૂ થઈ ગઈ હતી. છેલ્લે લિબિયાની ગધામી એરલાઈન્સના ચાર્ટરના ચાર-પાંચ ફેરા કરીને પણ 1200-1500 પેસેન્જરને નિકારાગુઆ પહોંચાડાયા હતા, પરંતુ જૂનમાં તેનું પિક્ચર પણ પૂરૂં થઈ ગયું હતું.

હાલની સ્થિતિમાં ચાર્ટરની વ્યવસ્થા કરવી લગભગ અશક્ય થઈ ગઈ છે અને જો કોઈ જુગાડ કરી એજન્ટો તેની ગોઠવણ કરી દે તો પણ નિકારાગુઆ લેન્ડ થયા બાદ અમેરિકા પહોંચવાની કોઈ ગેરંટી નથી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર