બજરંગ પૂનિયાની મુશ્કેલી વધી, કોર્ટે NADA પાસે માંગ્યો જવાબ , આ કેસમાં ન આપી રાહત
કુસ્તીબાજ અને કોંગ્રેસ નેતા બજરંગ પૂનિયાને નાડા દ્વારા કુસ્તી રમવા પર સસ્પેન્શન કેસમાં દિલ્હી હાઇકોર્ટ તરફથી કોઇ રાહત મળી નથી.
હાઇકોર્ટે બજરંગ પૂનિયાની અરજી પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) ને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે. બજરંગ પુનિયાએ નાડાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી વચગાળાના રાહતની માંગ કરી હતી પણ હાઇકોર્ટે તેમને હાલ કોઇ રાહત આપી નથી. હવે આ મામલે આગામી સુનાવણી ઓક્ટોબરમાં થશે.
નાડાનું નિર્ણય ગેરબંધારણીયઃ બજરંગ પૂનિયા
નોંધનીય છે કે, બજરંગ પૂનિયાએ હરિયાણાના સોનીપતમાં 10 માર્ચે યોજાયેલી ટ્રાયલ દરમિયાન ડોપ ટેસ્ટ માટે યુરિન સેમ્પલ આપવાનો કથિત રીતે ઇનકાર કર્યો હતો. જે પછી નાડાએ 23 એપ્રિલે બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી તેના કુસ્તી રમવા પર રોક લગાવી હતી.
જો કે, બજરંગ પૂનિયાએ નાડાના આ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યું હતું. અરજીમાં બજરંગ પુનિયાએ દાવો કર્યો છે કે, ‘નાડાનું આ પગલું ગેરબંધારણીય છે. એજન્સીનો આ નિર્ણય મનસ્વી છે અને કામ કરવાની સ્વતંત્રતા અને આજીવિકા મેળવવાના મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.’
રાજકારણમાં પ્રવેશ
ઉલ્લેખનીય છે કે, બજરંગ પુનિયા એ ખેલાડીઓમાં સામેલ છે જેમણે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોના યૌન શોષણનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. જો કે, તેમના મતે તેમને યોગ્ય ન્યાય ન મળતા 6 સપ્ટેમ્બરે તેઓ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.