ચોટીલાઃ ઊઠમણું કરનાર સિદ્ધનાથ કોટેક્સના સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ , મોડી ફરિયાદને લઈને સવાલ
ચોટીલા પંથકમાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવ્યા વગર સિદ્ધનાથ કોટેક્સ મિલના સંચાલકોએ ઊઠમણું કરી લીધું હતું. જે મામલે હવે પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચોટીલા થાનગઢ રોડ પર આવેલ સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ નામની કંપનીના સંચાલકોએ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવવા માટે 20 ઓગસ્ટના રોજનો સમય આપ્યો હતો. પરંતુ મિલ પર ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પહોંચ્યા ત્યારે એ દિવસે મિલના દરવાજા પર તાળું લાગેલું હતું. તેમજ સંચાલકો દ્વારા કોઈના ફોન ઉપાડવામાં નહોતા આવી રહ્યા. જેને લઈને હોબાળો મચી ગયો હતો. પોલીસ પણ મિલ પર દોડી આવી હતી.
આ મામલે આખરે 23 દિવસ જેટલા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આસપાસના ખેડૂતોની 2 કરોડ 98 લાખ રૂપિયા જેટલી રકમ કંપનીના સંચાલકો તરફથી આપવામાં ન આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સુરેશભાઈ લુણાગરીયા, વિરેનભાઈ લુણાગરીયા, રમણીકભાઈ ભાલાળા, દર્શનભાઈ ભાલાળા અને અતુલભાઈ પટેલ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે બોટાદમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકોએ બોટાદની પણ કેટલીક જીનિંગ મિલમાંથી પણ રૂ ખરીદ્યું હતું. જેના રૂપિયા આપવાના પણ બાકી છે.
જે મામલે બોટાદની જીનિંગ મિલના સંચાલકોએ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવેલી છે. બોટાદની જુદી જુદી જિનિંગ મિલના સંચાલકોને 6 કરોડ 65 લાખથી વધુની રકમ સિદ્ધનાથ કોટેક્સના સંચાલકો પાસેથી લેવાની થાય છે.
જો કે અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં 23 દિવસ જેટલો સમય કેમ લાગ્યો.
બોટાદમાં ફરિયાદ નોંધાયા બાદ ચોટીલામાં ફરિયાદ નોંધવામાં આવી છે તે બાબતને લઈને પણ સવાલ થાય તે સ્વાભાવિક છે.