મંકીપોક્સની પહેલી વેક્સિનને WHOની મંજૂરી, આ બિમારીથી બચાવવામાં 82% સફળ હોવાનું તારણ
મંકીપોક્સ વાયરસના કારણે વિશ્વના અનેક દોશમાં હાહારાર મચ્યો છે.
આ વાયરસથી ફેલાયેલા પ્રકોપ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા સારા સમાચાર સામે આવ્યા છે. WHOએ Mpox વાયરસની સારવાર માટે પહેલી વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
WHOએ શુક્રવારે એમવીએ-બીએન વેક્સિન (MVA-BN vaccine)ને મંકીપોક્સ વિરુદ્ધ પ્રથમ વેક્સિન જાહેર કરી જેને તેની પ્રીક્વોલિફિકેશન યાદીમાં જોડવામાં આવી છે.
MVA-BN વેક્સિન હાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બનાવવામાં નથી આવી. જો કે, WHOએ વહેલી તકે બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પ્રકારની વેક્સિન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
વેક્સિન અંગે WHOનું નિવેદન
નિર્માતા બાવેરિયન નોર્ડિક A/S દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી જાણકારી અને યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા કરવામાં આવેલી સમીક્ષાના આધાર પર પ્રીક્વોલિફિકેશન પ્રક્રિયાનો હેતુ વેક્સિનની ઝડપથી ખરીદી અને વિતરણને સુવિધાજનક બનાવવાનો છે. WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેસસે વર્તમાન મંકીપોક્સના પ્રકોપને રોકવા (ખાસ કરીને આફ્રિકામાં)ની દિશામાં વેક્સિનના મહત્વ પર ભાર મૂક્યો છે.
તેમણે કહ્યું કે, આફ્રિકામાં વર્તમાન પ્રકોપ અને ભવિષ્યના સંદર્ભમાં મંકીપોક્સ વિરુદ્ધ વેક્સિનની આ પ્રથમ પ્રીક્વોલિફિકેશન બીમારીની વિરુદ્ધ આપણી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વેક્સિનની ખરીદી, દાન અને વિતરણને તાત્કાલિક વધારવા માટે આહવાન કર્યું.
તેમણે કહ્યું કે, અન્ય જાહેર આરોગ્ય સાધનોની સાથે-સાથે આ વેક્સિન સંક્રમણને રોકવા અને જીવન બચાવવામાં મદદ કરશે. MVA-BN વેક્સિન જેને ચાર અઠવાડિયાના અંતરે બે ડોઝના ઈંજેક્શનના રૂપમાં આપવામાં આવે છે તે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માન્ય છે. કોલ્ડ કંડિશનમાં સ્ટોર થયા બાદ તે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ અઠવાડિયા સુધી સ્થિર રહી શકે છે.
82% અસરકારક
WHOના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડો. યુકિકો નાકાતાનીએ કહ્યું કે, મંકીપોક્સ સામેની વેક્સિનને મંજૂરી એ આફ્રિકન અને ભવિષ્યમાં હાલના પ્રકોપના સંદર્ભમાં બીમારી સામેની આપણી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સરકારો અને ગેવી અને યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મંકીપોક્સ વેક્સિનની ચાલી રહેલી ખરીદીમાં તેજી આવશે.
ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે એક્સપોઝર પહેલાં આપવામાં આવેલ સિંગલ ડોઝ MVA-BN રસી લોકોને મંકીપોક્સથી બચાવવામાં અંદાજિત 76% અસરકારક છે, જ્યારે બે ડોઝ અંદાજિત 82% અસરકારક છે. MVA-BN વેક્સિનને સ્વિત્ઝર્લેન્ડ, યુએસ, સિંગાપોર, કેનેડા, યુરોપીય સંઘ અને UKમાં મંજૂરી આપી દેવામાં આવી છે.