દાહોદ પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને કેવી રીતે ‘ચોર’ પકડ્યો, શું છે આ ટેક્નોલોજી?
કાનૂન કે હાથ લંબે હોતે હૈ એવો ફેમસ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે પરંતુ હવે જાણે કે પોલીસ આ ડાયલોગને સાબિત કરવાનો દાવો કરી રહી છે.
ગુજરાતની દાહોદ પોલીસે આકાશમાંથી નજર રાખીને ડ્રોન વડે આરોપીઓને ઝડપ્યા હોવાનો દાવો કર્યો છે.
દાહોદ પોલીસે દાવો કર્યો છે કે દાહોદમાં ચોરી કરવા આવેલો એક આરોપી જંગલની ઝાડીમાં છુપાઈ ગયો હતો તેને ડ્રોનની મદદથી થર્મલ સ્ક્રિનિંગનો ઉપયોગ કરીને ઝડપી લીધો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણીવાર ઝાડની ઓથ લઇને આરોપીઓ જંગલમાં છુપાઈ જાય તો તેમને શોધવા મુશ્કેલ હતા પરંતુ આ થર્મલ ટેક્નોલોજીથી ગાઢ જંગલમાં છુપાયેલા આરોપીઓ પણ હવે ઝડપી શકાય છે.
દાહોદ જિલ્લામાં ગાઢ જંગલો, મોટાં ઘાસનાં મેદાનો તેમજ પહાડી વિસ્તાર પણ આવેલો છે. આ વિસ્તારમાં કોઇ આરોપી છુપાઈ જાય તો ભૂતકાળમાં તેને શોધવો મુશ્કેલ બની જતો હતો. જેથી દાહોદ પોલીસ દ્વારા ટેક્નોલોજીની મદદથી આરોપીઓને સરળતાથી પકડવામાં આવી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
ડ્રોન ટેક્નોલોજી :
આરોપીને પકડવામાં ઉપયોગમાં લેવાયેલી ડ્રોન ટેક્નોલોજીમાં થર્મલ સ્ક્રિનિંગ શું છે તે અંગે વાત કરતાં દાહોદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાજદીપ ઝાલાએ વાત કરતા જણાવ્યું હતું કે, “થર્મલ સ્ક્રિનિંગમાં કૅમેરા હોય છે. જે ડ્રોનમાં ઇનબિલ્ટ આવતી ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીમાં ઓબ્જેક્ટના તાપમાનના આધારે થર્મલ કૅમેરા ઇમેજ ક્રિએટ કરે છે. ઝાડ, પશુ પક્ષી મનુષ્ય દરેકના શરીરનું અલગ અલગ તાપમાન હોય છે.”
તેઓ સમજાવતા કહે છે, “એક ચોક્કસ ઊંચાઈ પર ડ્રોન ઉડાડી નીચેની ઇમેજ કૅપ્ચર કરવામાં આવે છે. ઝાડ, પશુ-પક્ષી તેમજ મનુષ્ય દરેક ઓબ્જેક્ટના તેના તાપમાનના આધારે અલગ-અલગ ડાર્કનેસ અને કલર કૉડિંગ બને છે. આ કલર કોડિંગના આધારે તે ઓબ્જેક્ટ માણસ, ઝાડ કે પ્રાણી હોવાની ઓળખ થાય છે.”
તેમણે ઉમેર્યું હતું, “આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે કોઈ આરોપી જંગલમાં ઝાડ કે ઝાડી નીચે છુપાયો હોય તો પણ તેને થર્મલ ઇમેજની મદદથી પકડી શકાય છે. આ પ્રકારે છુપાયેલા આરોપીને ઝાડના તાપમાનને આધારે ઝાડની ઇમેજ અને તેની નીચે છુપાયેલા માણસના શરીરના તાપમાનને આધારે કૅમેરામાં તેની અલગ કલરની ઇમેજ બને છે. ટેક્નોલોજીની મદદથી સરળતાથી તેને શોધી શકાય છે.”
તેમણે જણાવ્યું હતું કે, “અમે ઓગસ્ટ, 2023થી ડ્રોનનો પેટ્રોલિંગ માટે અને આરોપીઓને પકડવા માટે ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશનના ડ્રોનની અંદર નાઇટ વિઝન, થર્મલ સ્ક્રિનિંગ તેમજ ઇન્ફ્રારેડ ટેક્નોલોજી ઇનબિલ્ટ જ હોય છે.અમારા વિભાગ દ્વારા જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે તે 30x ઝૂમવાળું છે. બહુ ઊંચાઈ પરથી ઝૂમ કરીને પણ ઓબ્જેક્ટને જોઈ શકાય છે. તેમજ અમે ફૉક્સ લાઇટ પણ લગાવી છે.”