મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાના ચરણોમાં વંદન! દરેકને સુખદાયિની માતાના આશીર્વાદ ..
નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- દેવી સ્કન્દમાતા
।। સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તકરદ્વયા ।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।।
માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્તિકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં કુમાર ને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયુર છે. તેથી તેમને મયુરવાહન નામે પણ અભિહિત કરાયા છે.
આજ ભગવાન સ્કન્દના માતા હોવાના લીધે માં દુર્ગાજીના આ સ્વરૂપને સ્કન્દમાતા નામે ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રી-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આદિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં અવસ્થિત હોય છે. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કન્દજી બાળરૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે. સ્કન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર ભુજાઓ છે. તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કન્દને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની નીચેની ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે, તેમાં કમળપુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે તેમજ નીચેવાળી ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળપુષ્પ ધારણ કરેલું છે. તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે. તેઓ કમળના આસનપર બિરાજમાન રહે છે. આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે.
નવરાત્રિપૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ‘વિશુદ્ધ’ અવસ્થિત માનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ તરફ આગળ વધતો હોય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાથી વિમુક્ત થઈને પદ્માસનમાં મા સ્કન્દમાતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન-વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પર આગળ વધતા રહેવું જોઈએ.
માં સ્કન્દમાતાની ઉપાસનાથી ભકતની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે, આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થાય જાય છે. સ્કન્દમાતાની ઉપપ્સનાથી બાળરૂપ સ્કન્દભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે. આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે, તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. સુર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે એમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતીથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવે સદૈવ તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે. આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે.
માટે આપણે એકાગ્રભાવે મનને પવિત્ર રાખી માનું સ્મરણ લેવા પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભાવસાગરના દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.
યા દેવી સર્વભૂતેષુ માંઁસ્કન્દમાતા સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ ह्रीं क्लीं स्वमिन्यै नम: ॥