સુરતના માંગરોળમાં યુવતી પર ગેંગરેપના કેસમાં એક નવો વડાંક
સુરતના માંગરોળમાં યુવતી પર ગેંગરેપના કેસમાં ફરાર આરોપીની પોલીસે અમદાવાદમાં ચાલુ ટ્રેનમાંથી ધરપકડ કરી છે. અમદાવાદ રેલવે LCB અને રેલવે SOGની ટીમે ચોક્કસ બાતમીને આધારે સુરત ગેંગરેપના આરોપીને દાદર-અજમેર ટ્રેનમાંથી શાહીબાગ પાસેથી શરૂ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપી રામ સજીવન રામ સબત વિશ્વકર્મા 31 વર્ષનો છે અને મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને હાલ અંકલેશ્વરમાં રહે છે. આરોપી ગુનો કર્યા બાદ સુરતના કીવમાં સંતાયો હતો ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યો હતો. વડોદરાથી દાદર-અજમેર ટ્રેનમાં બેસીને રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો.
અજમેર શરીફ અને ખાટુશ્યામ મંદિર માફી માંગવા જતો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર આરોપી રામ સજીવન વડોદરાથી દાદર-અજમેર ટ્રેનમાં બેસીને રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો, જ્યાં તે ગુનાનું પ્રાયશ્ચિત કરવા અને માફી મંગાવા પહેલા અજમેરમાં અજમેર શરીફ દરગાહ અને ત્યારબાદ સીકરમાં આવેલા ખાટુશ્યામ મંદિર જઈ રહ્યો હતો. પણ એ પહેલા જ તે અમદાવાદમાંથી ઝડપાઇ ગયો.
સુરતમાં પોલીસને જોઈને આરોપી ભાગ્યો હતો
બુધવારે 10મી ઓક્ટોબરના દિવસે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નહોતી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જયારે ત્રીજો આરોપી રામ સજીવન ફરાર થઇ ગયો હતો જેને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી લીધો છે.
મૃતક આરોપી શિવ શંકરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
માંગરોળમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનારા ત્રણેય નરાધમો ઝડપાઈ ગયા છે.
જેમાંથી આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું ગુરૂવારે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.
ત્યારબાદ કસ્ટોડિયલ ડેથના મુદ્દે ભારે વિવાદ થયો હતો.
આરોપીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવતા મોતનું સાચુ કારણ બહાર આવ્યું છે.
10મી ઓક્ટોબરે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેને તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો.
પરંતુ થોડી સારવાર મળ્યા બાદ તેનું મોત થયું હતું.
આજે સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગમાં આરોપીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું, જેના પ્રાથમિક રિપોર્ટમાં આરોપીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.
મૃતક આરોપીના હૃદયમાં બે બ્લોકેજ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે.
જો કે એક મહિના પછી સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે.