ઓડિશા-બંગાળમાં ‘દાના’ વાવાઝોડા એ મચાવી તબાહી ! ૫૦૦ થી વધુ ટ્રેનો રદ, ફ્લાઈટ પર ૧૬ કલાક માટે પ્રતિબંધ
ચક્રવાતી તોફાન ‘દાના’ના કારણે ઓડિશા અને બંગાળમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેના કારણે બંને રાજ્યોમાં હાઈ એલર્ટ છે. ૫૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. બંગાળ અને ઓડિશામાં ૧૬ કલાક માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઓડિશામાં આજે મોડીરાત્રે વાવાઝોડું ટકરાશે, ૩૦૦ ફ્લાઇટ, ૫૫૨ ટ્રેન રદ, એન.સી.આર.એફ. તહેનાત; બંગાળ સહિત ૭ રાજ્યને અસર
ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ‘દાના’ આજે ઓડિશા સાથે અથડાઈ શકે છે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાના આગમનને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. ચક્રવાત ‘દાના’ના કારણે ઓડિશા અને બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
એન.સી.આર.એફ.ની ૫૦થી વધુ ટીમો તૈનાત
આ વાવાઝોડાને કારણે ૫૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્લેન પર ૧૬ કલાક માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એન.સી.આર.એફ.ની ૫૦થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ના જોખમનો સામનો કરવા માટે, ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લગભગ ૧૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, પશ્ચિમ બંગાળમાં ૧.૧૪ લાખથી વધુ લોકોને પહેલેથી જ આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે.
- ચક્રવાતી વાવાઝોડા ‘દાના’ને ધ્યાનમાં રાખીને સુરક્ષા તૈયારીઓ પર નજર રાખતા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું છે કે ૩૦ ટકા લોકો (ત્રણ-ચાર લાખ) જોખમી ક્ષેત્રમાં રહે છે, તેમને બુધવારે સાંજે ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. .
- હવામાન વિભાગે કહ્યું છે કે જ્યારે આ વાવાઝોડું ઓડિશામાં ટકરાશે ત્યારે તેની ઝડપ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ વાવાઝોડાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલ્વેએ ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ મોટા પાયે ટ્રેનો રદ કરી છે.
- ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રહેવા વિનંતી કરી છે. ડોકટરોની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને તેમના સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં પાછા બોલાવવામાં આવ્યા છે.
- ‘દાના’ને ધ્યાનમાં રાખીને, બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવાર સાંજથી ૧૬ કલાક માટે ફ્લાઇટ ઑપરેશન સ્થગિત કરવામાં આવશે. એરપોર્ટની કામગીરી ૨૪ ઓક્ટોબરે સાંજે ૫ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૯ વાગ્યા સુધી સ્થગિત રહેશે.
- તે જ સમયે, કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન પણ આજે સાંજે ૫ વાગ્યાથી આવતીકાલે એટલે કે ૨૫ ઓક્ટોબરે સવારે ૯ વાગ્યા સુધી બંધ રહેશે. ઓડિશા અને બંગાળના ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો ૨૫-૨૬ ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે.
- ચક્રવાતી તોફાન ‘દાના’ને જોતા ૫૫૨ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલ્વેએ ૧૫૦ ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ ૧૯૮ ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ ૧૯૦ ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ ૧૪ ટ્રેનો રદ કરી છે. એનડીઆરએફએ ચક્રવાત ‘દાના’ને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં કુલ ૫૬ ટીમો તૈનાત કરી છે. ચક્રવાત ૨૪ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. આ ટીમો પાસે થાંભલા અને વૃક્ષો કાપવા માટેના સાધનો છે.