ખાલિસ્તાનીઓ ભારતીય વિદ્યાર્થીઓને કરી રહ્યાં છે ટારગેટ, ભારત વિરુદ્ધ ઝેર ઘોળવાનો કરે છે પ્રયાસ
કેનેડાથી ભારત પરત આવેલા હાઈ-કમિશનર સંજય વર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની આજુબાજુના વાતાવરણનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખાલિસ્તાની આતંકીઓ અને કટ્ટરવાદીઓ વિદ્યાર્થીઓને નિશાન બનાવી તેમને કટ્ટરવાદી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સંજય વર્માએ કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનો સાથે નિયમિતપણે વાત-ચીત કરવી જોઈએ અને તેમની પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને તેમને પ્રતિકૂળ વાતાવરણથી દૂર રહેવા સમજાવવું જોઈએ.
કેનેડામાં અભ્યાસ કરતા 3.19 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય કોમ્યુનિટીને ખાલિસ્તાની આતંકીઓ અને કટ્ટરવાદીઓથી મોટું જોખમ છે.
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકીઓ ભારતીય નહીં પરંતુ કેનેડિયન નાગરિકો છે. તેઓ કેનેડાની ધરતી પરથી ભારત વિરુદ્ધ કામ કરે છે.
અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે કેનેડા તેમના વિરુદ્ધ પગલાં લે. તેઓ ભારતની સંપ્રભુતા અને અખંડતાને પડકારી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, કેનેડા સાથે ભારતના સંબંધો હંમેશા સારા હતા. પરંતુ થોડાક સમયથી વિવાદ થયો છે, જેનું કારણ જસ્ટિન ટ્રુડો અને તેમની ટીમ છે.
ટ્રુડો સરકારે સંજય વર્માને ‘પર્સન ઓફ ઈન્ટ્રેસ્ટ’ કહ્યા હતા. આ અંગે પૂછવામાં આવતા સંજય વર્માએ કહ્યું કે, ટ્રુડોની સરકાર કોઈપણ પુરાવા આપ્યા વિના તેમની પૂછપરછ કરવા માગતી હતી.
તેમણે કહ્યું કે, અમે ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ માહિતી એકત્રીત કરતા હતા અને કરતા રહીશું, કારણ કે તેઓ અમારા દુશ્મન છે અને આ અમારા દેશની સુરક્ષાની બાબત છે.
કેનેડામાં કેટલાક મુઠ્ઠીભર ખાલિસ્તાની ત્યાંની સિસ્ટમ ખરાબ કરી રહ્યા છે. તેઓ ભારતીય મૂળના લોકોને ડરાવતા-ધમકાવતા રહે છે.