ગાંધીનગર નજીક ૭૦૦ કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો નાસી ગયો
ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ પાસે ગૌરક્ષકો દ્વારા બાતમીના આધારે પીછો કરીને કારમાંથી ૭૦૦ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. હાલ આ સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં ગૌવંશની કતલે આમ કરીને તેની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક ગૌરક્ષકો આવા તત્વોને પકડવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે અમદાવાદ ખાતે રહેતા મનોજભાઈ બારૈયા તેમના મિત્ર સાથે કારમાં એરપોર્ટ બ્રિજથી ભાટ સર્કલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ભાટ પાસે કારમાં ગૌમાંસનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે તેમણે કારનો પીછો કરીને તેને ઝડપી લીધી હતી. જ્યારે તેમાંથી એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે ડ્રાઇવર પકડાઈ ગયો હતો.
આજ સમયે ગૌરક્ષકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, આ કારને ચરેડી પાસે રોકવામાં આવી હતી પરંતુ તેમાં સવાર શખ્સો કાર લઈને નાસી છૂટયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ તપાસ કરતા આ કારમાંથી ૭૦૦ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે મીરજાપુર ખાતે રહેતો સાકીર બદરુલ હસન તારુખ અને નાસી ગયેલો મિરઝાપુરનો મહંમદ અબ્દુલ કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. એફએસએલ દ્વારા પણ આ માસના જથ્થાને તપાસવામાં આવતા તે ગૌમાંસ જ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.