‘માફી માંગી લો….બદમાશોનો શું ભરોસો ક્યારે ટપકાવી દે’, સલમાન ખાનને ખેડૂત નેતાની સલાહ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વધી રહેલા વિવાદમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કૂદી પડ્યા છે.
કાળિયાર (કાળા હરણ) શિકાર કેસના મુદ્દાને સામાજિક મુદ્દો ગણાવતા ખેડૂત નેતાએ સલમાન ખાનને સલાહ આપતા કહ્યું કે, ‘તેમણે (સલમાન ખાન) મંદિરમાં જઈને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ.
જો સલમાન ખાને માફી નહીં માંગી તો જેલમાં બંધ વ્યક્તિ શું કરશે તે કહી શકાય નહીં. આ સમાજ સાથે જોડાયેલો મામલો છે.’
રમેશ બિશ્નોઈએ પણ સલમાન ખાનને આપી સલાહ
આ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ રમેશ બિશ્નોઈએ પણ સલમાનને માફી માંગવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે, ‘સલમાને કાળિયારના શિકાર કેસમાં માફી માંગવી જોઈએ, કારણ કે બિશ્નોઈ સમુદાય આ મુદ્દે લોરેન્સના સમર્થનમાં એક થઈને ઊભો છે.’ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સલમાન ખાને બિશ્નોઈ સમુદાયને શાંત કરવા માટે પૈસાની ઓફર કરી હતી, જેને સમુદાયે સખત રીતે નકારી કાઢી હતી.
રમેશ બિશ્નોઈએ જણાવ્યું કે, ‘અમારો સમાજ વૃક્ષો અને વન્યજીવોને પ્રેમ કરે છે. 363 પૂર્વજોએ વૃક્ષોના રક્ષણ માટે પોતાનો જીવ આપી દીધો હતો. જ્યારે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો ત્યારે દરેક બિશ્નોઈનું લોહી ઊકળી ઊઠ્યું હતું. અમને કોર્ટમાં વિશ્વાસ હતો પણ જો અમારા સમુદાયની મજાક ઉડાવવામાં આવે તો. સમાજ માટે ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.’
જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ 1998ના કાળિયારના શિકાર કેસથી સંબંધિત છે, જેમાં સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો.
રાજસ્થાન હાઈકોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, જોકે બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા.
આ દરમિયાન સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
બિશ્નોઈની ધમકીઓને જોતા સલમાનની સુરક્ષા પહેલા કરતા પણ વધુ કડક કરવામાં આવી છે.