નીતા અંબાણીએ શરૂ કરી મફત આરોગ્ય સેવા યોજના : રિલાયન્સ સ્નેહ-સેવાના ૧૦ વર્ષની ઉજવણી
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક તપાસ અને સારવારને પ્રાથમિકતા આપશે. ‘સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ’ની દસમી વર્ષગાંઠ નિમિત્તે શરૂ કરાયેલ આ આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે ૧ લાખથી વધુ મહિલાઓ અને બાળકોને મફત તપાસ અને સારવાર આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ યોજનાના લક્ષ્યાંકો નીચે મુજબ છે.
- જન્મજાત હૃદય રોગ ધરાવતા ૫૦,૦૦૦ બાળકો માટે મફત તપાસ અને સારવાર
- ૫૦,૦૦૦ મહિલાઓ માટે સ્તન અને સર્વાઇકલ કેન્સરની મફત તપાસ અને સારવાર
- ૧૦,૦૦૦ કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું મફત રસીકરણ
છેલ્લા ૧૦ વર્ષથી વિશ્વસ્તરીય આરોગ્ય સેવા પૂરી પાડે છે
શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, ‘સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ છેલ્લા ૧૦ વર્ષથી દરેક ભારતીય માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવા સુલભ અને સસ્તી બનાવવા બાબતે પ્રયત્નશીલ રહ્યું છે. એકમેકના સહયોગથી અમે લાખો જિંદગીઓમાં હકારાત્મક બદલાવ લાવી શક્યા છીએ અને અગણિત પરિવારોમાં આશાનું સિંચન કરી શક્યા છીએ. નિઃસ્વાર્થ સેવાના દસ વર્ષના સીમાચિહ્નની ઉજવણી ચાલી રહી છે, ત્યારે અમે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકો અને મહિલાઓ માટે નવી નિઃશુલ્ક આરોગ્ય સેવા યોજના શરૂ કરી રહ્યા છીએ. કારણ કે, અમે માનીએ છીએ કે સારું સ્વાસ્થ્ય એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે, અને તંદુરસ્ત મહિલાઓ અને બાળકો સમૃદ્ધ સમાજનો પાયો છે.’
‘સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ’ છેલ્લા એક દાયકાથી અસાધારણ આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. હોસ્પિટલમાં ૧.૫ લાખથી વધુ બાળકો સહિત ૨૭.૫ લાખ ભારતીયો સારવાર લઈ ચૂક્યા છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ આ હોસ્પિટલે એક દાયકામાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. જેમ કે,
- ૫૦૦ થી વધુ અંગ પ્રત્યારોપણ કર્યાં છે.
- ૨૪ કલાકની અંદર ૬ અવયવોનું પ્રત્યારોપણ કરવાનો વિક્રમ સર્જ્યો છે.
- ભારતની નંબર વન મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના એવોર્ડ સતત જીત્યા છે.
દક્ષિણ મુંબઈમાં આવેલી ૩૬૦ પથારી ધરાવતી ક્વોટરનરી કેર હોસ્પિટલ
‘સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ’ એ દક્ષિણ મુંબઈમાં આવેલી ૩૬૦ પથારી ધરાવતી ક્વોટરનરી કેર હોસ્પિટલ છે. હૉસ્પિટલનું ધ્યેય કુશળ વ્યાવસાયિકો, પ્રશિક્ષિત સ્ટાફ અને નવીનતમ તકનીક દ્વારા સમાજના તમામ વર્ગોને સલામત, સસ્તી અને આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાનું છે. આ હોસ્પિટલ જોઇન્ટ ઇન્ટરનેશનલ કમિશન અને હોસ્પિટલો માટે રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્તિ ધરાવે છે, જે ગુણવત્તાયુક્ત સંભાળ અને દર્દીની સલામતી માટેના ઉચ્ચતમ ધોરણ છે. ઉપરાંત, આ હોસ્પિટલ મુંબઈની સૌથી મોટી ગોલ્ડ સર્ટિફાઈડ ગ્રીન હોસ્પિટલ છે.
વિવિધ બિમારીઓ ક્ષેત્રે રિલાયન્સ ફાઉન્ડેશનની આ નવી પહેલ
જન્મજાત હૃદયરોગ એ ભારતમાં ગંભીર આરોગ્ય સમસ્યા છે. એમાં મૃત્યુદર ઘણો વધારે હોય છે. ૧૦૦ માંથી લગભગ ૧ નવજાત શિશુ તેનો ભોગ બને છે. એ જ રીતે, સ્તન કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ પ્રચલિત કેન્સર છે. સ્ત્રીઓને થતાં તમામ પ્રકારના કેન્સરમાં ૨૫ % થી વધુ કિસ્સામાં સ્તન કેન્સર જ થતું હોય છે. સ્તન કેન્સરનું નિદાન વહેલું થઈ જાય તો દર્દીની પાંચ વર્ષ સુધી જીવિત રહેવાની શક્યતા મોડું નિદાન પામેલ દર્દીઓની સરખામણીમાં ૪.૪ ગણી વધી જતી હોય છે. સર્વાઇકલ કેન્સરના કેસ પણ ભારતમાં સતત વધતા જ જાય છે, ત્યારે આ ત્રણે બિમારીઓ ક્ષેત્રે રિલાયન્સ ફાઉન્ડેશનની આ નવી પહેલ આવકારદાયક છે.