Search
Close this search box.

ટ્રમ્પ-હેરિસને સરખા મત, ૪% વોટિંગ બાકી, કોણ બનશે અમેરિકન પ્રમુખ ?

ટ્રમ્પ-હેરિસને સરખા મત, ૪% વોટિંગ બાકી , કોણ બનશે અમેરિકન પ્રમુખ ?

અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને ૪ કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે.

૫ નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે પછી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેની ખબર પડશે પણ છેલ્લા સર્વે પ્રમાણે, જોરદાર ટક્કર થશે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ/સિએના કોલેજ દ્વારા ૨૦ અને ૨૦ ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સર્વેમાં બંને ઉમેદવારોને ૪૮-૪૮ ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી કરાઈ છે.  બાકીના ૪ ટકા મતદારોએ હજુ કોને મત આપવો એ નક્કી કર્યું નથી એ જોતાં આ કમલા અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ઘડી સુધી મુકાબલો થવાનાં એંધાણ છે. સીએનએનએ ચૂંટણી અંગે રાષ્ટ્રીય સ્તરે કરેલા પોતાના છેલ્લા સર્વે પ્રમાણે પણ કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી છે.  ૪૭ ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપે છે અને ૪૭ ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે. સર્વેમાં કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડતાં આ મુકાબલો રસપ્રદ બની ગયા છે.

ટ્રમ્પે છેલ્લે છેલ્લે કેટલાંક રાજ્યોમાં કરેલી જોરદાર મહેનતના કારણે ચૂંટણીના માત્ર ૧૦ દિવસ પહેલા જ બાજી પલટાઈ ગઈ હોવાનું મનાય છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને અત્યંત હરીફાઈવાળા રાજ્યોમાં ‘લોકપ્રિય મત’ જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમાં ટ્રમ્પ આગળ નિકળીને લીડ કાપી ગયાનું મનાય છે.

આ પહેલાંના સર્વે એવું સૂચવતા હતા કે, કમલા હેરિસનો ઘોડો વિનમાં છે. લગભગ ૧૫ દિવસ પહેલાં આવેલા સર્વેમાં ૫ નવેમ્બરે યોજાનારી ચૂંટણી જીતવાની રેસમાં કમલા હેરિસને ૪૭ ટકા લોકો પસંદ કરી રહ્યા હતા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ૪૨ ટકા લોકો પસંદ કરી રહ્યા હતા. રોયટર્સ/ઇપ્સોસના સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સામેની ચર્ચા પછી કમલા હેરિસની લીડ સતત વધી છે. મતદારોનું માનવું હતું કે, કમલા હેરિસે ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા છે તેથી કમલાના જીતવાના ચાન્સ વધારે છે.

અમેરિકામાં વન નેશન, વન ઈલેક્શન પણ પ્રેસિડેન્ટ પર આખી દુનિયાની નજર

અમેરિકાના પ્રમુખની ચૂંટણી સાથે જ અમેરિકાની સસંદ એટલે કે યુએસ સેનેટ અને હાઉસ ઓફ કોંગ્રેસના સભ્યો, અમેરિકાના દરેક સ્ટેટના ગવર્નર  અને દરેક રાજ્યની એસેમ્બલીની  ચૂંટણીઓ યોજાય છે.  અમેરિકામાં એ રીતે વન નેશન, વન ઈલેક્શન છે. અમેરિકાનાં સ્ટેટમાં કોણ ગવર્નર બને છે તેમાં દુનિયાના બીજા દેશોને રસ નથી હોતો તેથી આ ચૂંટણીઓ તરફ કોઈનું ધ્યાન નથી જતું. અમેરિકામાં પ્રમુખ સર્વેસર્વા હોય છે અને તેની પાસે અમર્યાદિત સત્તાઓ છે તેથી પ્રમુખપદે કોણ આવે છે તેમાં જ સમગ્ર દુનિયાને રસ હોય છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેના મુખ્ય સ્વિંગ સ્ટેટ એટલે કે જે રાજ્યોમાં કઈ તરફ મતદારો ઢળશે એ નક્કી નથી હોતું એ રાજ્યોમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે.

આ તમામ ચૂંટણીનાં પરિણામ ૧૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ આવી જશે.  જાન્યુઆરીમાં અમેરિકાની સંસદ તેના પર મંજૂરીની મહોર મારે પછી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ અને ૫૦મા ઉપપ્રમુખ પોતાનો કાર્યભાર સંભાળે છે.

ન્યુ યોર્કમાં ૧૯૮૪ થી ટ્રમ્પની પાર્ટી જીતી નથી પણ ટ્રમ્પ મેદાન મારી શકે

ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુયોર્કમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા હોવાનું સર્વે કહે છે. ન્યૂયોર્ક સિટીને ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. કમલાની ડેમોક્રેટિક પાર્ટીના ગઢ જેવા ન્યુ યોર્કમાં ટ્રમ્પે આક્રમક પ્રચાર કર્યો છે.

ન્યુ યોર્કમાંથી કુલ ૨૮ ઈલેક્ટોરલ મત છે તેથી કમલા ન્યુ યોર્કમાં હારે તો મોટો ફટકો પડી જાય. ન્યુ યોર્કમાં છેલ્લી ૯ ચૂંટણીઓમાં માત્ર ડેમોક્રેટિક પાર્ટી જ જીતી છે. છેલ્લે રિપબ્લિકન પાર્ટી ૧૯૮૪ માં ન્યૂયોર્ક જીતવામાં સફળ રહી હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર