ભાવનગરમાં લોહીયાળ દિવાળી : એક જ રાતમાં અલગ-અલગ સ્થળે ૩ હત્યા
– ઉજાશના પાવન પર્વે ગોહિલવાડના ૩ પરિવારમાં માતમ સાથે અંધકાર છવાયો
– શહેરના કાઝીવાડમાં રહેતાં યુવકનું જુના ઝઘડાની દાઝમાં ઢીમ ઢાળી દેવાયું, એરપોર્ટ રોડ પર કારનો હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે ૫ શખસોએ પિતા-પુત્ર પર હુમલો કરી પિતાની હત્યા કરી, પુત્ર ગંભીર
હત્યાના ચકચારી ત્રણ બનાવ પૈકી પ્રથમ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના ખારગેટ કાઝીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા અલવાઝભાઈ મુનાફભાઈ કુરેશી ગત તા. ૩૧ ને ગુરૂવારની રાતે મોટાભાઈ ફરદીન ઉર્ફે રાવણો અને મિત્ર સોહરાબ યાસીનભાઈખાન સાથે ગજ્જરના ચોકમા દિવાળીના તહેવારની રોશની જોવા માટે ગયા હતા.જયાં અગાઉ થયેલાં ઝઘડાની દાઝ રાખી ફરીદાબેન મહમ ઝકરીયા શેખ અને તેના ભાઈ યુનુસ મહમદઝકરીયા શેખ (રહે.કંસારા શેરીના નાકે, લીંબડીવાળી સડક, ભાવનગર ) એ લોખંડના પાઈપ તેમજ યુનુસનો ભત્રીજા અયાન ફારૂકભાઈ શેખે ફરદીન ઉર્ફે રાવણો પર છરી વડે હુમલો કરતાં કરી લોહીયાળ ઈજા પહોંચાડી હતી. તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાતાં તેનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો.ગંગાજળિયા પોલીસે બનાવને લઈ મહિલ સહિત ત્રણ વિરૂદ્ધ હત્યાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.
હત્યાના અન્ય એક બનાવની વિગત એવી છે કે, શહેરના એરપોર્ટ રોડ સોમનાથ રેસીડેન્સી ખાતે રહેતાં કહાન શિવરાજભાઈ લાખાણી ગત તા.૩૧ ના રોજ રાત્રિના સુમારે તેમના મિત્ર કિશન કુકડીયા સાથે તેમની કાર લઈને ડીઝ લ પુરાવા જતા હતા ત્યારે શહેરના રિંગરોડ યોગીનગર ખોડીયારનગસ્નજીક રસ્તા પર અમુક શખસો નાચગાન કરતા હતા. જેને રસ્તા પરથી હટાવવા માટે હોર્ન મારતાં ટોળાએ ઉશ્કેરાઈને કાર પર પથ્થરમારો કર્યો હતો જયારે ચાલક કહાનને ભાવેશ ઉર્ફે ભાવિન પંડયાએ લોખંડના સળિયાથી માર માર્યો હતો. જેના પગલે કહાને તેના પિતા અને વ્યવસાયે મેડીકલ પ્રેકટિસ કરતાં શિવરાજભાઈ લગધીરભાઈ લાખાણીને બોલાવતાં તે ત્યાં દોડી આવ્યા હતા. જેના કારણે સ્થળ પર હાજર પ્રકાશ રાજુભાઈ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન વિજયભાઈ પંડયા, કિશન ઉર્ફે કે.પી. પરશોતમભાઈ ડગળા, રિતેશ ઉર્ફે ભયલું અરવિંદભાઈ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ લાલાભાઈ ચુડાસમા અને અન્ય શખ્સો એકસંપ કરી તેમના પર તૂટી પડયા હતા. અને ત્યાં હાજર રિતેશે તેમના પર છરી વડે હુમલો કરતાં તેમને પણ લોહીયાળ ઈજા પહોંચી હતી. આ હુમલામાં ઈજા પામેલાં પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં પિતા શિવરાજભાઈનું મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જયારે, પુત્ર કહાની હાલત સ્થિર મનાય રહી છે. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે કહાન શિવરાજભાઈ લાખાણીની ફરિયાદના આધારે ઉક્ત પાંચ અને તેની સાથેના અજાણ્યા હુમલાખોર સામે હત્યા અને જીવલેણ હુમલાની કમલ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે, હત્યાના ત્રીજા બનાવની વિગત એવી છે કે, ભાવનગર નજીકના ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતાં બુધાભાઈ રામજીભાઈ બારૈયા ગત તા.૩૧ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે હતા.તેવામાં ઘર નજીક રોડ બાજુ ત્રણથી ચાર શખસ ગાળા ગાળી કરતા હોવાથી તેમને સમજાવવા ગયા હતા. જયાં તમામ વચ્ચે તકરાર વઘતાં જયદિપ વિનુભાઇ ઢાપા, કમલેશ અશોકભાઈ ઢાપા, આણંદ મેપાભાઈ બારૈયા અને રામજી આણંદભાઇ બારૈયા(રહે.તમામ હાથબ)એ બુધાભાઈને લોખંડના પાઇપ અને લાકડી વડે હુંમલો કરી લોહિયાળ ઈજા પહોંચાડી નાસી છૂટયા હતા. જેના પગલ લોહીયાળ હાલતે બુધાભાઈને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાતાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઘોઘા પોલીસે ઉક્ત ચારેય વિરૂદ્ધ હત્યાની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલ ચોકી પરિસરમાંથી યુવાનની શંકાસ્પદ હાલતે લાશ મળી
ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના રાત્રે હત્યાના એક સાથે ત્રણ બનાવને લઈ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. તેવામાં આજે સવારના સુમારે ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલ પરિસરમાં આવેલી હોસ્પિટલ પોલીસ ચોકી સામેના સુલભ શૌચાલય નજીક એક અજાણ્યા યુવાનની શંકાસ્પદ હાલતે લાશ મળી આવી હતી. બનાવને લઈ પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો. અને મૃતદેહને પેનલ પીએમ અર્થે હોસ્પિટલના પીએમ રૂમ ખસેડયો હતો. પોલીસની પ્રથમિક તપાસમાં મૃતક ઘોઘાના હાથબ ગામે રહેતો ૨૮ વર્ષીય યુવક જેન્તીભાઈ પોલીભાઈ ચુડાસમા હોવાનું ખુલ્યું હતું. લ્લેખનીય છે કે, આ જ ગામેથી ગત રાત્રે હત્યાનો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈ પોલીસે તેની સાથે આ બનાવ જોડાયેલો છે કે નહીં તે દિશામાં શંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હાલ અક્સ્માતે મોતની નોંધ કરી છે પરંતુ,આ ઘટનામાં પણ હત્યા હોવાની પોલીસ સૂત્રોએ આશંકા સેવી આ દિશામાં તપાસ આદરી હોવાનું જાણવા મળેલ છે.