હવે જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝરવાળી થશે! આતંકીઓને પાઠ ભણાવવા ઉપરાજ્યપાલે કમર કસી
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થાય તો એક વર્ષમાં આ વિસ્તારમાંથી આતંકવાદને ખતમ કરી શકાય છે.’
‘ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં’
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.’
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે, ‘જેઓ આતંકવાદીઓને આશ્રય આપે છે તેઓને ત્રાસ આપવામાં આવે છે. જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે’
જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે ઊભા રહેવાનું આહ્વાન કરતાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઉપસ્થિત લોકોને પૂછ્યું કે, ‘શું આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે.’ તેમણે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં સુરંગ નિર્માણ સ્થળ પર 20 ઓક્ટોબરે આતંકવાદીઓ દ્વારા સ્થાનિક ડૉક્ટર અને છ પરપ્રાંતીય મજૂરોની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.