Search
Close this search box.

ઈઝરાયેલ ૨૦ જાન્યુ. પહેલાં ઈરાનને ખતમ કરે : ટ્રમ્પનું અલ્ટીમેટમ

ઈઝરાયેલ ૨૦ જાન્યુ. પહેલાં ઈરાનને ખતમ કરે : ટ્રમ્પ નું અલ્ટીમેટમ

– ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા માટે તખ્તો તૈયાર હોવાના ટ્રમ્પના સલાહકાર ઈવાન્સના દાવાથી ખળભળાટ

– ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની નીતિ અપનાવશે અને તેને પરમાણુ હથિયારો બનાવતા રોકશે : ટ્રમ્પના વિશ્વાસુ ગુજરાતી કાશ પટેલનો દાવો

– દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને ભગાડવા, સરહદો સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા સહિતના મુદ્દાઓને પ્રાથમિક્તા આપશે : પટેલ

વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનયામાં લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના યુદ્ધોને ખતમ કરવા માગે છે. જોકે, ઈઝરાયેલ પાસે ઈરાન વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવા ૨૦ જાન્યુઆરી સુધીનો સમય છે. ટ્રમ્પ ઈચ્છે છે કે પોતે પ્રમુખપદના શપથ લે તે પહેલાં ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી તેને ખતમ કરી નાંખે. આ સાથે ટ્રમ્પના અન્ય એક વિશ્વાસુ ગુજરાતી મૂળના કાશ પટેલે પણ ટ્રમ્પની અગ્રતાઓના સંદર્ભમાં કહ્યું છે કે ટ્રમ્પ પ્રમુખ બનતાની સાથે દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને ભગાડવા, લાંબા સમયથી ચાલતા યુદ્ધો રોકવા, બંધકોને છોડાવવા, સરહદો સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવો, અને દુનિયામાંથી આતંકવાદનો ખાતમો લાવવો જેવા મુદ્દાઓને પ્રાથમિક્તા આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતી મૂળના અમેરિકન વકીલ કાશ પટેલે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, ફરી એક વખત અમેરિકાના પ્રમુખપદના શપથ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિક્તા રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની છે. તેમણે યુક્રેનના પ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી છે અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે વિશ્વના અનેક નેતાઓ સાથે પણ ફોન પર આ મુદ્દે ચર્ચા કરી છે. ટ્રમ્પ આધુનિક ઈતિહાસમાં અમેરિકાના એકમાત્ર એવા પ્રેસિડેન્ટ છે, જેમણે કોઈ નવા સંઘર્ષના મોરચા શરૂ કર્યા નથી.

ટ્રમ્પના અન્ય એક સલાહકાર માઈક ઈવાન્સે પણ આ જ પ્રકારે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના સંદર્ભમાં સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ પાસે ઈરાન પર હુમલો કરવાની સુવર્ણ તક છે. ટ્રમ્પ ઈચ્છે છે કે આગામી આઠ સપ્તાહમાં એટલે કે તેઓ પ્રમુખપદના શપથ લે તે પહેલાં ઈઝરાયેલ ગાઝા અને લેબેનોનમાં ચાલતા સંઘર્ષોથી આગળ વધી ઈરાનનું કામ તમામ કરી દે. ટ્રમ્પનું ટાર્ગેટ છે કે ઈઝરાયેલ ૧૨ જાન્યુઆરી પહેલાં ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારિક કન્ટેનરોને નિશાન બનાવે. તેમનો આશય ઈરાનના અર્થતંત્રને ખતમ કરી દેવાનો છે. ઈઝરાયેલ ટ્રમ્પને શપથ ગ્રહણ કરતા સમયે આ ભેટ આપી શકે છે.

તેમને સવાલ કરવામાં આવ્યો કે શું ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈઝરાયેલને આ સીધો સંદેશો છે? જવાબમાં ઈવાન્સે કહ્યું કે, હું તેમને ચાર વર્ષથી ઓળખું છું અને મને પૂરો વિશ્વાસ છે કે ટ્રમ્પ આવું જ ઈચ્છે છે. એક વખત ઈરાન નબળું થઈ જશે તો ટ્રમ્પ ઈઝરાયેલને સુન્ની દેશો સાથે સમજૂતી કરાવવાનું મોટું ઈનામ આપશે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે અગાઉ પણ ટ્રમ્પના સમયમાં અબ્રાહમ એકોર્ડ કર્યો હતો અને હજુ પણ તેઓ આ સમજૂતી કરવા માગે છે.

માઈક ઈવાન્સની જેમ જ ગુજરાતી મૂળના કાશ પટેલે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શપથ લીધા પછી ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની નીતિ અપનાવશે. ઈરાનના અર્થતંત્ર પર અનેક પ્રકારના પ્રતિબંધો મુકાશે, જેથી નાણાં બનાવતા ઈરાનના મુલ્લાઓને દબાવી શકાય. મને નથી લાગતું કે ટ્રમ્પ કમલા હેરિસની જેમ વધુ સાત અબજ ડોલરનો ખર્ચ કરશે, જેથી તેઓ વધુ એક વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે.

તેમણે ઉમેર્યું કે, તેઓ ઈરાન સાથે વેપાર અંગે વિરોધીઓ સાથે વાત કરશે અને વૈશ્વિક જોડાણ બનાવશે, કારણ કે આપણે એકલા ઈરાનને રોકી શકીશું નહીં. વધુમાં અમે એ બાબતની ખાતરી કરીશું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની સિદ્ધિ હાંસલ કરે નહીં. બાઈડન-હેરીસ વહીવટીતંત્રમાં ઈરાન આ સિદ્ધિ મેળવવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે.

કાશ પટેલે ટ્રમ્પના આગામી શાસનની અગ્રતાના કામો અંગે કહ્યું કે, ટ્રમ્પનું મીશન અને એજન્ડા એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ ખચકાટ નથી. તૈયારીઓ થઈ ગઈ છે. દસ્તાવેજી કામ થઈ રહ્યું છે. શપથગ્રહણની તારીખની રાહ જોવાઈ રહી છે. તેઓ શપથ લેશે ત્યાર પછી રાષ્ટ્રને સંબોધન કરશે. જે રીતે તેમનો તોફાની ચૂંટણી પ્રચાર ચાલ્યો તે જ રીતે તેઓ તાત્કાલિક કામ શરૂ કરી દેશે.

તેમણે ઉમેર્યું કે, ટ્રમ્પે અગાઉ જે કામ કર્યા હતા તે જ કામ તેઓ કરવાના છે. આ કોઈ રહસ્ય નથી. પોતાના શત્રુઓની ગુપ્ત માહિતી એકત્ર કરવાની પ્રાથમિક્તા, જેથી આપણે ઈરાની મુલ્લાઓ અને આતંકના પ્રાયજકોના જોખમોને હરાવી શકીએ.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર