વીડિયો ક્રીએટર્સ માટે ગૂગલે લોન્ચ કર્યુ નવું એઆઈ ટૂલ, માત્ર એક ક્લિકમાં બની જશે તમારો વીડિયો
ગૂગલ દ્વારા તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વીડિયો મેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલને ગૂગલ વીડ્સ નામ આપવામાં આવ્યું છે. આ ફીચર વર્કસ્પેસના ઘણાં એડિશનમાં જોવા મળશે. ગૂગલ દ્વારા જેમિનીમાં અત્યાર સુધી ઘણા ફીચર્સને એડ કરવામાં આવ્યા છે, પરંતુ હવે એક નવું ટૂલ બનાવવામાં આવ્યું છે જેમાં જેમિનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેવી રીતે કામ કરશે?
ગૂગલ વીડ્સમાં જેમિનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ AI મોડલ યૂઝર માટે વીડિયો બનાવશે. આ માટે યૂઝર ગૂગલ ડ્રાઇવની ફાઇલ્સ અથવા તો ડિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકે છે. યૂઝર ઝીરોમાંથી વીડિયો બનાવવાની શરૂઆત કરી શકે છે અથવા તો ગૂગલ દ્વારા પહેલેથી જ આપવામાં આવેલ ટેમ્પ્લેટનો પણ ઉપયોગ કરી શકે છે. ગૂગલ દ્વારા આ ટૂલની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવી હતી, જે હવે લોન્ચ થયું છે.
મદદ માટેનું ફીચર
ગૂગલ વીડ્સમાં યૂઝરને મદદ કરવા માટે ‘હેલ્પ મી ક્રિએટ’ ફીચર પણ આપવામાં આવ્યું છે. એ પર ક્લિક કરતાં, જેમિની યૂઝરને સ્ક્રિપ્ટ લખવા માટે મદદ કરશે. આ ટૂલ ફક્ત ટેમ્પ્લેટ માટે પૂરતું નથી, પરંતુ પર્સનલાઇઝડ વીડિયો બનાવવા માટે પણ એટલું જ મદદરૂપ થશે. ગૂગલ વીડ્સમાં પોતાનાં ફોટા અને વીડિયો અપલોડ કરી શકાશે અને તેમાં રેકોર્ડિંગ પણ કરી શકાશે. આ સાથે જ વીડિયોને લગતા ઓડિયો ટ્રેક પણ બનાવી શકાશે
ટીમવર્ક
ગૂગલ વર્કસ્પેસમાં પણ આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર દ્વારા, એક વીડિયોને ટીમના દરેક સભ્યો સાથે મળીને બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, એક કંપનીમાં પાંચ વ્યક્તિઓની ટીમ એક પ્રમોશનલ વીડિયો બનાવી રહી હોય તો દરેક સભ્યો આ વીડિયોમાં ઇનપુટ આપી શકશે અને સાથે મળીને તેને બનાવી શકશે. આ માટે રિયલ-ટાઇમ કોલાબોરેશનનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ, એન્ટરપ્રાઇઝ પ્લસ, એસેન્શિયલ્સ, એન્ટરપ્રાઇઝ એસેન્શિયલ્સ અને એન્ટરપ્રાઇઝ એસેન્શિયલ્સ પ્લસ મેમ્બર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે.