બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વે ‘ઓર્બિટલ’ માટે બુકર પ્રાઈઝ જીતી
– અવકાશના વિષય પર વિજેતા પહેલી નવલકથા
– પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી 136 પાનાની ઓર્બિટલ, બીજી સૌથી નાની નવલકથા બની
લંડન : બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વેએ ‘ઓર્બિટલ’ માટે બુકર પ્રાઈઝ જીત્યું છે. આ વર્ષ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી નવલકથાઓમાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. જેમાંથી સમન્થા હાર્વેની ઓર્બિટલે સર્વોચ્ચ સન્માન જીત્યું છે. આ સાથે જ ઓર્બિટલ અવકાશના વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની છે.
ઓર્બિટલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર છ અવકાશયાત્રીઓના જીવનના એક દિવસની સ્ટોરી છે. જેમાં, તેઓ ૧૬ સૂર્યોદય અને સૂર્યાસ્તનું અવલોકન કરે છે. લંડન સિટીના ઓલ્ડ બિલિંગ્સગેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેને વિજેતા જાહેર કરતા સમયે ઓર્બિટલને સંક્ષિપ્ત છતાં સુંદર રીતે વિસ્તૃત નવલકથા ગણાવવામાં આવી હતી.
એવોર્ડ સ્વીકારતી વખતે હાર્વેએ પુસ્તક લખતી વખતે આવેલા તેમના વિચારને રજૂ કર્યો હતો. પુસ્તક લખતી વખતે હાર્વેને વિચાર આવ્યો હતો કે, વિલ્યશાયરમાં એક ટેબલ પર બેસીને અવકાશ વિશે લખતી મહિલાની સ્ટોરી સાંભળવી કોને ગમશે? જ્યારે, અનેક અવકાશયાત્રીઓ ત્યાં જઈ આવ્યા છે. હાર્વેએે આ એવોર્ડ પૃથ્વીના પક્ષમાં બોલનારા તમામને સમર્પિત કર્યો હતો.
પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી માત્ર ૧૩૬ પાનાની આ બુક બીજી સૌથી નાની બુક બની છે. આ સાથે તેમાં સામેલ તમામ ઘટનાઓ ફક્ત ૨૪ કલાકના સમયગાળામાં ઘટે છે. જજની પેનલમાં બ્રિટિશ ભારતીય સંગીતકાર નિતીન સાહની, નવલકથાકાર સારા કોલિન્સ, ધ ગાર્ડિયન અખબારના ફિક્શન એડિટર જસ્ટિન જોર્ડન અને ચીની અમેરિકી લેખક યીયુન લીનો સામેલ હતા.