દિલ્હીમાં પ્રદૂષણને લીધે ‘લૉકડાઉન’ જેવી સ્થિતિ, સ્કૂલ ઓનલાઈન ચાલશે, જાણો કયા કામ બંધ રહેશે
– દિલ્હીમાં ગ્રેપ-3ના પ્રતિબંધો અમલમાં
– દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં
– સુપ્રીમ કોર્ટ દિલ્હીના પ્રદૂષણ અંગેની અરજીની 18 નવેમ્બરે સુનાવણી કરવા સંમત
– બાંધકામ, ખોદકામ, વેલ્ડિંગ, ગેસ કટિંગ, ઇંટની ભઠ્ઠીઓ, તોડફોડ, બોરિંગ, ડ્રિલિંગ પર પ્રતિબંધ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ એલર્ટ જારી કરતા કમિશન ફોર એર કવોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ ઇમરજન્સી બેઠક બોલાવી એનસીઆરમાં ગ્રેપ (ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન)ના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે.
ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં તેમને ઓનલાઇન માધ્યમથી ભણાવવામાં આવશે.
સીએક્યુએમની આ જાહેરાત પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે હાલમાં ગ્રેપ-3 લાગુ કરવામાં આવશે નહીં. જો કે સીએક્યુએમની બેઠક પછી ગ્રેપ-3ને અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે.
જ્યારે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં આવી જાય છે ત્યારે ગ્રેપ-3ના પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવે છે. ગ્રેપ-3 હેઠળ નિર્માણ અને તોડફોડના કામમાં બોરિંગ અને ડ્રિલિંગ, પાઇલિંગ વર્ક, ઓપન ટ્રેચ સિસ્ટમથી થનારી સીવર લાઇન, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિક કેબલના કામ, ઇંટ ભઠ્ઠી વગેરેના કામ, આરએમસી બેચિંગ પ્લાન્ટ, મોટા વેલ્ડિંગ કામ, અને ગેસ કટિંગ કામ થઇ શકશે નહીં.
કાચી સડકો પર કાર ચલાવી શકાશે નહીં. કાટમાળનું ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે નહીં. તમામ સ્ટોન ક્રેશર ઝોન બંધ રહેશે. ખાણકામ અને તેની સંબધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે.
બીએસ-3 પેટ્રોલ અને બીએસ-4 ડીઝલના વાહનો પર દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં પ્રતિબંધ રહેશે. બીએસ-3ના હલકા માલવાહક વાહનો પર પ્રતિબંધ રહેશે. જો કે જરૂરી માલસામગ્રીના વાહનોને છૂટ અપાશે. રાજ્ય સરકાર ઇચ્છે તો ધો. 5 સુધીના બાળકોના ફિઝિકલ વર્ગો બંધ કરી ઓનલાઇન શરૂ કરી શકે છે.
ગ્રેપ-3ના અમલની જાહેરાત પછી દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીએ જાહેરાત કરી છે કે આગામી નિર્દેશ ન મળે ત્યાં સુધી દિલ્હીમાં ધો. 5 સુધીના વર્ગો ઓનલાઇન ચાલશે અને આ બાળકોએ શાળાએ આવવું નહીં પડે.
દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દિલ્હીના પ્રદૂષણ અંગેની અરજીની 18 નવેમ્બરે સુનાવણી કરવા સંમત થઇ ગયું છે.
પંજાબમાં પરાળી બાળવાની નવી ૫૦૯ ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં પરાળી બાળવાની કુલ 7621 ઘટનાઓ સામે આવી છે.