દેવ દિવાળી નિમિત્તે ૧૧,૦૦૧ દીવડાથી વિશ્વામિત્રી નદીનો ઘાટ ઝળહળી ઉઠ્યો : સમૂહ આરતી યોજી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ પવિત્ર બનાવવા પ્રયાસ કરાશે
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઓળખ પુનઃસ્થાપિત થાય તેને ધ્યાનમાં રાખી દેવદિવાળીના શુભ દિવસે વડોદરાની સ્વૈચ્છિક સંસ્થાઓ અને વોર્ડ નંબર ત્રણના ભાજપના મહિલા કોર્પોરેટરના સહયોગથી સયાજીબાગ કામનાથ મંદિર પાસેના વિશ્વામિત્રીના ઘાટ પર 11001 દીવડાથી સુશોભિત કરી સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે વારાણસીમાં ગંગા નદીની જેમ વડોદરાની વિશ્વામિત્રી પણ સ્વચ્છ શુદ્ધ અને પવિત્ર બને તેવા પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા વડોદરાના વકીલ નીરજ જૈન દ્વારા કામનાથ મંદિર પાસેના વિશ્વામિત્રીના ઘાટ વર્ષોથી દબાઈ ગયો હતો તેને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો પરંતુ વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન સતત ત્રણ વખત ભારે પુર આવવાને કારણે વિશ્વામિત્રી નદી કાંઠે બનાવવામાં આવેલા ઘાટનું પણ કેટલીક જગ્યાએ ધોવાણ થઈ ગયું હતું. તેમાં સયાજીબાગ કામનાથ મંદિર પાસેના વિશ્વામિત્રીના ઘાટનું પણ ધોવાણ થયું હતું તેને ફરી એકવાર સમારકામ કરવામાં આવ્યો હતો.
વડોદરાની સ્વૈચ્છિક સંસ્થા નેક્સસ ફાઉન્ડેશનના કેટલાક યુવકો વારાણસીની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ગંગા નદીના કિનારે બનાવવામાં આવેલા ઘાટ પર જે રીતે દીવડાની આરતી થાય છે તે રીતે વડોદરાના વિશ્વામિત્રીના ઘાટ પર પણ આરતી થાય અને વારાણસીમાં જે રીતે ગંગા નદી સ્વચ્છ શુદ્ધ અને પવિત્ર છે તે રીતે વડોદરામાં પણ વિશ્વામિત્રી નદી શુદ્ધ બને તેવા શુભ આશયથી દેવ દિવાળીના દિવસે
પરશુરામ સેના કામનાથ મહાદેવ વોર્ડ નંબર ત્રણના ભાજપના કોર્પોરેટર રૂપલબેન મહેતાના સહયોગથી સયાજીબાગ કામનાથ મંદિર પાસેના વિશ્વામિત્રી નદી પરના ઘાટ પર રંગોળી પ્રદર્શન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી પ્રદર્શન અને ભજન કીર્તન બાદ સાંજે 11,001 દીવડાથી કામનાથ મહાદેવ મંદિર પાસેના વિશ્વામિત્રી નદીનો ઘાટ શણગાર થકી ઝળહળી ઉઠ્યો હતો.
આ પ્રસંગે સામૂહિક આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંકજકુમાર મહારાજ પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, ગુરુજી હરીશચંદ્ર પુરોહિત, રૂપલબેન મહેતા, શ્વેતાબેન ઉત્તેકર, મહાલક્ષ્મીબેન શેટીયાર, રોનક પરીખ, જયેશ પરીખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.