ભાઈઓ વેલડન’, સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં વિજય અને યશને કહ્યું થેન્ક યુ, કારણ જાણી દિલ ખુશ થઈ જશે
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતે દક્ષિણ આફ્રિકામાં ડંકો વગાડ્યો છે. ભારતે 4 મેચોની T20 સીરિઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે શુક્રવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી T20માં 283/1નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સંજુ સૈમસન (અણનમ 109) અને તિલક વર્મા (અણનમ 120)એ જોહાનિસબર્ગમાં ધમાકેદાર સદી ફટકારી હતી. ભારતે 135 રનથી શાનદાર જીત નોંધાવી છે અને આ સીરિઝ પર કબજો જમાવી લીધો છે. સીરિઝ સમાપ્ત થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય ડ્રેસિંગ રૂમમાં દિલ ખુશ કરનારી સ્પીચ આપી છે. હવે તેનો આ વિડીયો BCCIએ શનિવારે શેર કર્યો છે. સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં વિજયકુમાર, વૈશાખ અને યશ દયાલને થેન્ક્યુ કહ્યું.
કેપ્ટને પોતાની સ્પીચમાં એ ખેલાડીઓનો આભાર માન્યો જેમને દક્ષિણ આફ્રિકા સીરિઝમાં એક પણ મેચ રમવાની તક નથી મળી. તેમણે વિજયકુમાર અને યશ ઉપરાંત જીતેશની સપોર્ટ માટે પ્રસંશા કરી. તમને જણાવી દઈએ કે, બોલર વિજયકુમાર અને યશે હજુ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ નથી કર્યું. બીજી તરફ વિકેટકીપર બેટમેન જીતેશ ભારત માટે ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તે ભારત માટે છેલ્લી મેચ જાન્યુઆરી 2024માં રમ્યો હતો.
સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં કહ્યું કે, ‘ભાઈઓ વેલડન કોન્ગ્રેચ્યુલેશન્સ. ખૂબ જ શાનદાર. બધાને જ ખબર હોય છે કે, વિદેશમાં આવીને સીરિઝ જીતવું કેટલું પડકાર જનક હોય છે. છેલ્લી વખત અહીં આવ્યા હતા ત્યારે સીરિઝ ડ્રો રહી હતી, આ વખતે 2-1થી આગળ હોવા છતાં આપણે નક્કી કર્યું હતું કે કેવી રીતે રમવાનું છે. મને લાગે છે કે આ મેચમાં દરેકે પોતાની જવાબદારી નિભાવી છે. તમામને તેનો ક્રેડિટ જાય છે. ટીમ તરીકે આપણે આ સિરીઝ જીતી લીધી છે. વૈશાખ યશ અને જીતેશનો સપોર્ટ કરવા માટે આભાર. આવેશે તો એક મેચ રમી છે ને. સપોર્ટ સ્ટાફના તમામ સદસ્યોનો પણ આભાર. આ સ્પેશિયલ જીત છે અને આપણે આ સીરિઝ ઘણી બધી વસ્તુઓ શીખી છે.’
હવે સૂર્યાની ડ્રેસિંગ સ્પીચ પર ક્રિકેટ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો તેની લીડરશીપના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું કે, સૂર્યકૂમાર યાદવ એક શાનદાર કેપ્ટન છે. બીજા એકે કહ્યું આને કહેવાય સ્પોર્ટ્સ મેન સ્પીરીટ. શાબાશ. અન્ય એકે કહ્યું, કેપ્ટનની આ સ્પીચ ખૂબ જ શાનદાર છે તેમાં તમામ ખેલાડીઓને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.