સુરેન્દ્રનગરમાં ખનિજ ભરેલા ઓવર લોડ વાહનોને આરટીઓ વિભાગની રહેમનજર ?
પુર ઝડપે ચાલતા વાહનો સામે RTOના અધિકારી દ્વારા ધૃતરાષ્ટ્રની નીતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનીજના કારોબારને ધમધમતા રાખવા ક્યાંકને ક્યાંક ખાણ ખનિજ વિભાગની સાથે આર.ટી.ઓ તંત્રની પણ લાપરવાહી નજરે પડે છે. જિલ્લાના લીમડી, થાનગઢ, મૂળી, ધ્રાંગધ્રા, સાયલા, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઓવર લોડ ખનિજ ભરીને નીકળતા આ પ્રકારના વાહનો સામે આર.ટી.ઓ વિભાગ પાંગળું સાબિત થયું છે. ખુલ્લેઆમ અને પર ઝડપે નીકળતા વાહનોને ક્યારેય રોકવામાં કે તેની ચકાસણી કરવામાં આવતી નથી. જિલ્લામાં આર.ટી.ઓનું કામ માત્ર કચેરીઓમાં બેસીને નવા વાહનોને રજિસ્ટ્રેશન કરવા સુધીનું હોય તેવું સ્પષ્ટ પણે નજરે પડે છે. જિલ્લામાંથી કોલસા, રેતી, કપચી, સફેદ માટી અને પથ્થરનું ગેરકાયદેસર ખનન અને હેરફેર થઈ રહી છે.
જેમાં વાહનોની ક્ષમતા કરતા વધુ વજન ભરીને હેરફેર થતી હોય છે પરંતુ આર.ટી.ઓ વિભાગના અધિકારીઓને પોતાની કચેરીમાંથી બહાર આવવાનો સમય મળતો નથી જેના લીધે ખનિજ ભરેલા ઓવર લોડ બેફામ ચાલતા વાહન ચાલકોને પરવાનો હોય તેવું નજરે પડે છે. ત્યારે આ પ્રકારના માતેલા સાંઢની માફક દોડતા વાહનોને જિલ્લામાં અનેક અકસ્માતો સર્જ્યા છે જેમાં કેટલાક લોકોના જીવનનો દીવો પણ બુઝાયો છે છતાં આજેય નીંભર આર.ટી.ઓ તંત્ર હજુય નિંદ્રામાં હોવાનું સામે આવે છે.